જીજ્ઞેશ મેવાણીને ફોનમાં મળી જાનથી મારી નાખવાની ધમકી, જાણો

બનાસકાંઠા, વડગામના ધારાસભ્ય અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણીને ફરી એકવાર ટેલિફોનિક ધમકી મળી છે. મેવાણીના સાથીને જીગ્નેશ મેવાણીને ઉદ્દેશીને ફોન પર ગંદી ગાળો અને ધમકી આપવામાં આવી છે. સમગ્ર મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વડગામના ધારાસભ્યને ટેલિફોનિક ધમકી આપવામાં આવી છે. મેવાણીનો ફોન તેના સાથી પાસે હતો ત્યારે જીગ્નેશ મેવાણીને ઉદ્દેશીને શંખેશ્વરના વિરેન્દ્રસિંહ દરબાર નામના વ્યક્તિએ ગંદી ગાળો ભાંડી ધમકી આપી હતી. વરનોરા તાલુકાના માંડલ ગામે દલિત યુવકની હત્યા મામલે જીગ્નેશ મેવાણીએ પ્રતિક્રિયા આપી હતી જેના કારણે તેને આ ધમકી અને ગાળો આપવામાં આવી છે.

જીગ્નેશ મેવાણીએ પોતાના ફેસબૂક એકાઉન્ટ પર લખ્યું અગાઉ ઉનાકાંડમાં પીડિતોને ન્યાય મળ્યો નથી, મને ચોથીવાર જાનથી મારી નાખવાની ધમકી મળી છે. હું એક ધારાસભ્ય છું અને જો રાજ્યમાં એક ધારાસભ્યને ખુલ્લેઆમ ધમકી આપવામાં આવી રહી છે તો રાજ્યમાં દલિતોની સ્થિતિ કેવી હશે ?

સમગ્ર મામલે જીગ્નેશ મેવાણીના સાથીએ વિરેન્દ્રસિંહ નામના વ્યક્તિ સામે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જીગ્નેશ મેવાણીને ધમકીભર્યા ફોન આવ્યા હોવાની વાત સામે આવી ચૂકી છે.