રણબીર-આલિયાના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ? શું છે હકીકત, જાણો

બોલીવુડની હિરોઈન આલિયા ભટ્ટ અને હીરો રણબીર કપૂર હાલમાં સૌથી વધુ ટ્રેન્ડિીંગ જોડી છે. ચર્ચામાં રહેતી જોડી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. મહત્વની વાત એ છે કે લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ચર્ચાઓ એવી પણ છે કે આલિયા ભટ્ટે પોતાના લગ્નના લહેંગા માટે જાણીતા ડિઝાઇનર સબ્યાસાચી સાથે મુલાકાત પણ કરી લીધી છે. આલિયા પણ પોતાના લગ્નમાં અન્ય બોલીવુડ અભિનેત્રીઓની જેમ સબ્યાસાચીનો લહેંગો પહેરેલી જોવા મળી શકે છે.

આમ તો આલિયા ભટ્ટ ઘણીવાર સબ્યાસાચીના ડિઝાઇન કરાયેલા કપડામાં જોવા મળી ચૂકી છે, પણ લગ્નના લહેંગાની વાત જ જુદી છે અને આ વખતે આલિયાએ ખાસ રીતે તેને ડિઝાઇન કરાવવા વિશે વિચાર્યું છે. એક અંગ્રેજી વેબસાઇટ પ્રમાણે આલિયાએ એપ્રિલમાં જ લહેંગાને લઇને ડિઝાઇનર સાથે વાત કરી હતી. જો કે હજી સુધી આ ચર્ચા પર કોઇપણ સેલિબ્રિટીએ કોઈપણ નિવેદન આપ્યું નથી. જણાવીએ કે અનુષ્કા શર્માથી લઇને દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરાએ પણ પોતાના લગ્નમાં સબ્યાસાચીના ડિઝાઇન કરેલા લહેંગા પહેર્યા હતા.
આલિયા-રણબીરના લગ્નની ચર્ચાને વેગ મળી રહ્યો છે અને હવે કહેવામાં આવી રહ્યું છે કે આલિયા અને રણબીર આવતાં વર્ષ એટલે કે 2020 ના ફર્સ્ટ હાફમાં લગ્નગ્રંથિથી જોડાઇ શકે છે. જો કે તાજેતરમાં જ આલિયાની માતાએ લગ્નને લઇને થતી ચર્ચાઓને અફવા છે તેવું કહ્યું હતું.
આલિયા – રણબીરના લગ્નમાં હજી સમય છે અને હજી સુધી બન્ને પરિવારો તરફથી કોઇ જ માહિતી આપવામાં આવી નથી. પણ ચર્ચાઓ સતત થઈ રહી છે અને કેટલીય ઇવેન્ટ્સમાં બન્ને એકસાથે જોવા મળે છે. આ વર્ષે થયેલા ફિલ્મફેરમાં આલિયાએ બધાની સામે પોતાના મનની વાત કહી દીધી હતી અને રણબીરને પ્રપોઝ કરી દીધું હતું.

ચર્ચાસ્પદ લગ્ન: અમેરિકામાં ગુજરાતી યુવાને કર્યા ગે મેરેજ, કરાયું જોરદાર સેલિબ્રેશન

અમેરિકામાં ચોંકાવાનારી ઘટના સામે આવી છે. ગુજરાતી યુવકે સ્વામી નારાયણ મંદિરમાં ગે મેરેજ કર્યા છે અને તેના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. અમિત શાહ નામના ગુજરાતી યુવકે તેના મિત્ર આદિત્ય મદીરાજુ સાથે ગે મેરેજ કરવાના ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. સમાન્ય લગ્ન થાય તે રીતે અમેરિકાના ન્યૂજર્સીમાં ધામધૂમપૂર્વક અને ભારે જલસા સાથે આ મેરેજ કરવામાં આવ્યા હતા.

અમિત અને આદિત્યએ લગ્નના ફોટો સોશિયલ મીડિયામાં શેર ક્રયા હતા. બન્નેને શૂભકામના મળી હતી તો મોટાપાયા પર તિરસ્કાર પણ મળ્યો હતો. લોકોએ તેમની આકરી ટીકા પણ કરી હતી. પરંતુ આ ટીકાઓથી અમિત અને આદિત્યે કોઈ દરકાર રાખી નથી. લગ્ન દરમિયાન બન્નેએ ફેશન ડિઝાઇનર અનિતા ડોંગરે દ્વારા ડિઝાઇન કુર્તા પહેર્યા હતાં.

અમિત અને આદિત્યે લગ્ન કરતા પહેલાં ખાસ્સો સમય સાથે વિતાવ્યો હતો. વાલીઓએ શરૂઆતમાં આનાકાની કરી વિરોધ નોંધાવ્યો હતો. બન્નેની મુલાકાત બારમાં થઈ હતી અને 2016માં બન્ને વચ્ચે ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. મિત્રતા પ્રેમમાં પલટાઈ હતી અને લગ્ન કરવાનો નિર્ણય કરાયો હતો.

ગુજરાતી સિંગર કિંજલ દવે જોડાઈ ગઈ ભાજપમાં

ગુજરાતની સુપ્રસિદ્વ લોકગાયિકા અને પોપ સિંગર કિંજલ દવેએ આજે ભાજપ જોઈન કર્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને પ્રવક્તા ભરત પંડ્યાની હાજરીમાં કિંજલ દવેએ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે.

ચાગ બંગડીવાળી ગાડીથી પ્રખ્યાત થયેલી કિંજલ દવેને ભાજપમાં આવકાર આપવામાં આવ્યો હતો. ગુજરાતી સિંગીંગમાં કિંજલ દવેએ નવા જ પ્રકારના પ્રયોગો કર્યા છે. સિંગીંગ બાદ કિંજલ દવેની નવી ઈનિંગ્સ રાજકારણમાં શરૂ થઈ છે. કિંજલ દવેએ ભાજપમાં જોડાયા બાદ પક્ષ માટે કામ કરવાની લાગણી વ્યક્ત કરી હતી.

પાટણ: આત્મહત્યા કરનારી મહિલા 14 વર્ષ બાદ નીકળી જીવતી અને ખૂલ્યું હત્યાનું રહસ્ય, વાંચો સનસનાટીપૂર્ણ ઘટનાને…

ગુજરાતના પાટણ સ્થિત બાલવા ગામમાં એક એવો સનસનાટીપૂર્ણ બનાવ સામે આવ્યો છે કે વાંચીને ચોંકી જવાય છે. હકીકતે 14 વર્ષ પહેલાં બલવા ગામની વિવાહિતાએ આત્મહત્યા કરી હોવાનું નોંધાયું હતું. પણ આજે 14 વર્ષ બાદ એ જ મહિલા જીવતી નીકળી છે. પોલીસે જ્યાર મહિલાની ધરપક જ કરી તો આખીય ઘટના પરથી પરદો ઉંચકાયો હતો.

ઘટના એવી છેક આજથી 17 વર્ષ પહેલાં નજીકના ગામની ભીખીબેન પંચાલના લગ્ન થયા હતા. લગ્નકાળમાં30 વર્ષીય ભીખીબેને પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમિયાન ભીખીબેનની મુલાકાત આ જ ગામના વિજુભા રાઠોડ સાથે થઈ હતી. બન્ને વચ્ચે પ્રેમ થયો. પણ ભીખીબેન પહેલાંથી વિવાહિત હોવાથી બીજા લગ્ન કરવાનું મુશ્કેલ હતું. જેથી કરીને બન્નેએ એક ખતરનાક ખેલ કર્યો અને પ્લાન બનાવ્યો.

6 ફેબ્રુઆરી-2005માં ભીખીબેન અને તેના પતિ વચ્ચે સામાન્ય ઝઘડો થયો. ભીખીબેન નારાજ થઈને પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. પણ જ્યારે રાત્રે ઘરના લોકો ભીખીબેનને જોવા ગયા તો તે રૂમમાં ન હતી. શોધખોળ કરી તો ઘરની પાછળથી મહિલાની લાશ મળી. મહિલાનો ચેહેરો ઓળખી શકાય એમ ન હતો. પણ કપડા ભીખીબેનના પહેર્યા હતા. જેના કારણે પરિવારના લોકએ લાશ ભીખીબેનની હોવાનું માની લીધું. પરિવારજનોને લાગ્યું કે ભીખીબેને ઝઘડાના કારણે કેરોસીન છાંટી અગન પિછોડી ઓઢી લીધી છે.

તે સમયે પોલીસે આત્મહત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પરિવારના લોકો પણ આત્મહત્યા માની રહ્યા હતા. પણ અચાનક કેટલાક દિવસ બાદ ભીખીબેનના પતિના મિત્ર મહેસાણા ખાતે કોઈ કામ માટે આવ્યા હતા. ત્યારે તેમણે ભીખીબેનને જોઈ. મહેસાણામાં ભીખીબેન પ્રેમી વિજુભા રાઠોડ સાથે ઓળખ બદલીને 2005થી રહેતી હતી.

પોલીસે ભીખીબેનની ધરપકડ કરી. પૂછપરછમાં બહાર આવ્યું કે વિજુભા રાઠોડ અને તેના મિત્રોએ મળીને માનસિક રીતે બિમાર મહિલાનું અપહરણ કર્યું હતું અને ગળું દબાવી તેની હત્યા કરી હતી. ત્યાર બાદ તેના ચહેરા પર કેરોસીમ છાંટી સળગાવી દેવામાં આવી હતી, જેથી કરીને કોઈ ઓળખી શકે નહીં. હવે 14 વર્ષ બાદ ભીખીબેન, વિજુભા રાઠોડ સહિત તેના બે મિત્રોની પોલીસે હત્યા ગુનામાં ધરપકડ કરી છે.

સામૂહિક દુષ્કર્મના મામલે અમદાવાદ છે નંબર વન, જાણો બીજા નંબર ક્યું શહેર છે?

ગુજરાત વિધાસભામાં દુષ્કર્મના બનાવો અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જવાબ આપ્યા હતા. ગુજરાતમાં દુષ્કર્મની ફરીયાદોનો આંકડો ચોંકાવનારો બન્યો છે. જોકે, પોલીસ વિભાગે મોટાભાગના કેસોમાં દાખલારૂપ કાર્યવાહી કરી છે.

ગુજરાતમાં ગયા પાંચ વર્ષ દરમિયાન સામૂહિક દુષકર્મની કુલ 97 ઘટનાઓ બની છે. જેમાં 15 બનાવો અમદાવાદમાં બન્યા છે. અમદાવાદ નંબર એક પર છે. આવી ઘટનાઓમાં 23 આરોપીઓને હજુ સુધી પકડી પાડવામાં આવ્યા નથી. નવ બનાવ સાથે સુરત બીજા નંબરે છે જ્યારે સાત ઘટના સાથે પંચમહાલ ત્રીજા નંબરે છે.

કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ જવાબ આપ્યો હતો. અમદાવાદમાં રાત્રે પણ મહિલાઓ કશે પણ હરીફરી શકે છે તેવા દાવાને આવા બનાવોએ ખોટા સાબિત કર્યા છે.

ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં સાત વર્ષમાં સામૂહિક દુષકર્મની કુલ 97 ઘટના બની છે. આ મામલે અત્યાર સુધી 408 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 23 આરોપી ફરાર છે. અમદાવાદમાં સૌથી વધુ 15, સુરતમાં 9, પંચમહાલમાં સાત, ગીર-સોમનાથમાં પાંચ, રાજકોટમાં પાંચ, ભાવનગરમાં ચાર અને દાહોદમાં ચાર બનાવ નોંધાયા છે.

કાશ્મીરમાં મધ્યસ્થી મામલે ટ્રમ્પની વાતને લઈ સંસદમાં દેકારો, ભારતે ફગાવી આખી વાત

કાશ્મીર મધ્યસ્થતા સંબંધિત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ સંસદના બંને ગૃહોમાં પણ આજે ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ હતુ કે અમેરિકી પ્રમુખના દાવા ખોટા છે.

વિદેશ પ્રધાને કહ્યુ હતુ કે શિમલા સમજુતી અને લાહોર સંધીના આધાર પર આગળ વધવામાં આવનાર છે. કાશ્મીર એક દ્ધિપ૭ીય મુદ્દો છે. બંને દેશો તેને સાથે મળીને ઉકેલશે. વિપક્ષી સાંસદોના હોબાળા વચ્ચે વિદેશ પ્રધાને ધૈર્યપૂર્વક પોતાનુ નિવેદન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનની સાથે વાતચીત વેળા અમેરિકી પ્રમુખે કાશ્મીર મુદ્દે પર મધ્યસ્થીનો દાવો કર્યો હતો.

જો કે તેઓ સ્પષ્ટતા કરવા માંગે છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતા કરવા માટે કોઇ રજૂઆત કરવામાં આવી નથી. એસ. જયશંકરે કહ્યુ હતુ કે તેઓ ફરી દોહરાવી દેવા માટે ઇચ્છુક છે કે મોદીએ ક્યારેય મધ્યસ્થતાની વાત કરી નથી. કાશ્મીર એક દ્ધિપક્ષીય મુદ્દો છે. ભારત સરકારના વલણને ફરી એકવાર સ્પષ્ટ કરવામાં આવ્યુ છે. અમે અમારા અગાઉના વલણ પર મક્કમ છીએ. તમામ સમસ્યાઓનો ઉકેલ અમે ભારત-પાકિસ્તાન સાથે મળીને કરીશુ. અમે શિમલા સમજુતીના આધાર પર આગળ વધીશુ.

વિદેશ પ્રધાને પોતાના નિવેદનમાં અમે પણ કહ્યુ હતુ કે ત્રાસવાદનો અંત આવ્યા બાદ જ બંને દેશો વચ્ચે કોઇ વાતચીત શક્ય બની શકે છે. તેમણે કહ્યુ હતુ કે સરહદ પારથી ત્રાસવાદના ખાતમા પહેલા કોઇ દ્ધિપક્ષીય શાંતિ મંત્રમા શક્ય દેખાઇ નથી.

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકાર પડી ગઈ, વિશ્વાસ મતની વિરુદ્વમાં પડ્યા 105 વોટ

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકારનુ પતન થયું છે. વિશ્વાસ મતના પ્રસ્તાવની વિરુદ્વમાં 105 વોટ પડ્યા હતા. ભાજપે કહ્યું કે અપવિત્ર અને ભ્રષ્ટ સરકારની વિદાય થઈ છે. ભાજપમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.

પાછલા અઠવાડિયાથી કર્ણાટકમા વિશ્વાસ પ્રસ્તાવને લઈ ભારે ખેંચતાણ અને કાયદાકીય જંગ મંડાયો હતો. ભાજપના નેતા યેદુરપ્પાએ કોંગ્રેસ-જેડીએસ સરકાર પર આરોપોની વણઝાર કરી હતી તો કોંગ્રેસ અને જેડીએસે ભાજપ પર બંધારણ અને ધારાસભ્યોને ખરીદી લેવાના આરોપ મૂક્યા હતા.

કોંગ્રેસના 13 અને જેડીએસના 3 ધારાસભ્યોએ બળવો કરતાં ગઠબંધન સરકાર સામે ખતરો ઉભો થયો હતો. વિધાનસભામાં આજે વિશ્વાસ પ્રસ્તાવ પર વોટીંગ કરવામાં આવ્યું હતું.

વિશ્વાસ પ્રસ્તાવની ફેવરમાં 99 વોટ પડ્યા હતા જ્યારે વિરુદ્વમાં 105 વોટ પડ્યા હતા. ભાજપે વિધાનસભામાં નારાબાજી કરી હતી અને હવે પછી કર્ણાટકમાં સરકાર રચવા માટે દાવો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

જાણો PM મોદીના ખોળામાં રમતી બાળકી વિશે…

PM મોદીને મંગળવારે એક ખાસ મહેમાન મળવા આવ્યો હતો. જેને જોઈને PM મોદીના ચહેરા પર રોનક આવી ગઈ હતી. આ મહેમાનને જોઈ PM મોદી એટલા બધા ખુશ થઈ ગયા હતા કે તેમણે ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યો હતો. ફોટો જોઈને લોકો કહેવા લાગ્યા કે આ નાનકડો મહેમાન કોણ છે.

સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીએ મંગળવારે બાળક સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો ખાસ્સો વાયરલ થયો હતો. બાળક સાથે પીએમ મોદી હંસતા-રમતા જોવા મળી રહ્યા હતા. ફોટો શેર થયા બાદ મીડિયામા ચર્ચા થવા માંડી હતી કે આ બાળક છે કોણ?

મંગળવારે PMની ઓફીસમાં બાળક આવ્યો હતો. PM મોદીએ તેને ખોળામાં લઈને રમાડ્યો હતો. ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરી PM મોદીએ લખ્યું કે આજે સંસદમાં એક અત્યંત ખાસ મિત્ર મુલાકાત કરવા માટે આવ્યો હતો.

અનેક પ્રકારની ચર્ચા થઈ રહી હતી અને અટકળો ચાલી રહી હતી. આ બાળક બીજું કોઈ નહીં પણ ભાજપના રાજ્યસભાના સાંસદ સત્યનારાયણ જટીયાની પૌત્રી છે.

વડાપ્રધાન હંમેશ મહેમાનો સાથે મુલાકાત કરતા રહે છે. દેશ-વિદેશના લોકો આ નામાવલિમાં સામેલ છે.

આ દરમિયાનમાં PM મોદીએ તેન ખોળામાં લઈને લાડ કર્યો હતો અને ચોકલેટ પણ આપી હતી. PM મોદીને બાળકો પ્રત્યે ખાસ્સો લગાવ છે. પંદરમી ઓગષ્ટે લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યા બાદ તેઓ પ્રોટોકોલ તોડીને પણ બાળકોને મળવા પહોંચી ગયા હતા. પરીક્ષા વખતે બાળકોને તણાવ મૂક્ત રહેવા માટે સલાહ આપે છે અને રક્ષાબંધન પર બાળકીઓ પાસે રાખડી પણ બંધાવે છે.

વિધાનસભામાં જિજ્ઞેશ મેવાણી ગાજ્યા, કહ્યું “15મી ઓગ્ષ્ટ પહેલાં એક ગામને અસ્પૃશ્યતા મૂક્ત જાહેર કરીને બતાવો, એક ગામ, એક સ્મશાનની નીતિ બનાવીને બતાવો”

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની માંગણીઓ પર વડગામના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભામા સરકાર આકરા પ્રહાર કર્યા હતા. ખાસ કરીને અસ્પૃશ્યતા નાબુદ કરવા માટે જિજ્ઞેશ મેવાણીએ સરકારને અનેક પ્રકારના સૂચનો તો કર્યા પણ સરકારની નીતિઓ અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા હતા.

જિજ્ઞેશ મેવાણીએ કહ્યું કે આઠમા ધોરણમાં ભણતો વિધાર્થી તે છ્ઠ્ઠા ધોરણની વિધાર્થીનીને, ચબરખીમાં આઈ લવ યુ લખીને મોકલે તે કેટલો માસુમ પ્રેમ હોય. ગુજરાતના 50 લાખ દલિતોના પ્રશ્નોની સમજ મારા સાથી હિતુભાઈ કનોડીયાની એટલી જ માસુમ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તે દલિત અને આદિવાસી સમાજનો આર્થિક ઉત્કર્ષ થાય એ માટેનું ખાતું નથી.તેનો મુળ હેતુ સામાજિક ન્યાય એટલે કે, સોશિયલ જસ્ટીસ એન્શ્યોર કરવાનો છે. તેના માટે રાજ્યની સરકારે સમાજની અંદર ઉંચ-નીચનો જે ખ્યાલ પ્રવર્તે છે અને સમાજમાં ગામે ગામ, મહોલ્લે મહોલ્લે જે અસ્પૃશ્યતા અને આભડછેટ આજે પણ જીવે છે તેને પણ ખતમ કરવાનો છે. તેના માટે આ બજેટમાં એક ફુટી કોડી રાખવામાં આવી નથી.

તેમણે કહ્યું કે નિતીનભાઇએ કહ્યું હતું કે, ચંદ્રયાન-2 મોકલ્યું, પાટલી થપ-થપાવો, પણ મને પાટલી થપથપાવવાનું એટલા માટે મન ન થયું કે, મોડર્ન સાયન્સ અને ટેક્નોલોજીના યુગમાં, ગ્લોબલાઈઝેશનના યુગમાં જ્યારે આપણે ચંદ્રયાન મોકલીએ છીએ ત્યારે એક સફાઈ કામદારે ગટરમાં ઉતરીને મરવું ન પડે તેના માટેની કોઈ ટેક્નોલોજી આપણી પાસે નથી. એટલા માટે રાજ્યની સરકારને મારા તરફથી ઓફર કરું છું કે, તમે લેખિતમાં બાંહેધરી આપો કે, હું જિજ્ઞેશ મેવાણી તમને 11 લાખનું કેરળમાં શોધાયેલું રોબોર્ટ ગિફ્ટ આપવા તૈયાર છું. તમે વાપરવા તૈયાર છો ?

મેવાણીએ કહ્યું કે સફાઈ કામદારે ગટરમાં ઉતરવું ના પડે, એટલા માટે આ મારી એમને ઓફર છે. શિક્ષણ મંત્રી ભુપેંદ્રસિંહ ચુડાસમાના પ્રયત્નોને હું બિરદાવું છું કે, 14 મી એપ્રિલે દલિત સમાજની સાથે બેસે છે અને જમે છે. બહુ સરસ. ભુપેંદ્રસિંહ ચુડાસમાને ગુજરાતના 50 લાખ દલિત સમાજના હિતમાં એક વિનંતી કે તમે “એક ગામ એક સ્મશાન”ની નીતિ બને એવી યોજના લાવો.
મેવાણીએ પ્રહાર કરતા કહ્યું કે આ તો મર્યા બાદ પણ આ રાજ્યની અંદર એવી પરિસ્થિતી છે કે દલિતોને સ્મશાનમાં એક જગ્યાએ એક લાકડે બાળવા માટે તૈયાર નથી. એક ગામ એક સ્મશાનની નીતિ લાવો તો સામાજિક ન્યાય મળે.
તેમણે કહ્યું કે ગુજરાતની અંદર જ્યાં અસ્પૃશ્યતા પળાય છે, જ્યાં પણ દલિતોના વાળ કાપતા નથી, જ્યાં પણ કુવામાંથી પાણી લેવા દેતા નથી, જ્યાં પણ મંદિરમાં પ્રવેશ નથી ત્યાં રાજ્ય સરકાર પ્રોએક્ટીવલી સામે ચાલીને આ અસ્પૃશ્યતા દૂર કરવા જાય અને છતાં પણ જે લોકો અસ્પૃશ્યતા પાળે, એની સામે ‘પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ એક્ટ્’ની લાગુ પડતી કલમ મુજબ ગુનો દાખલ થાય. પરંતુ એક પણ ગુનો દાખલ થતો નથી, આ તકલીફ છે.

વિધાનસભામાં બોલતા તેમણે કહ્યું કે વર્ષ 2018ની નવમી માર્ચે નાનજીભાઇ સોંદરવા નામના રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામના એક ભાઇનું ખૂન થયું. પોતાનું ખુન થાય એની પહેલાં ત્રણ મહિના પૂર્વે વીડિયો બનાવ્યો કે, આટલા આટલા માણસો, આટલા આટલા દિવસમાં મારું ખૂન કરશે એ બાદ પણ એમનું ખૂન થયું.એટ્રોસિટી એક્ટ શું કહે છે કે, પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ એટલે દલિત અને આદિવાસીનું ખૂન થાય પછી હરકતમાં નહીં આવવાનું.એમની ઉપર અત્યાચાર ન થાય એ માટેનો સ્પેશ્યલ લેજીસ્લેશન છે. પન અહીં તો માણસ વીડિયો બનાવે કે, મારૂ ખૂન થશે છતાં એને પ્રોટેક્ટ કરવામાં આવતો નથી, અને એના એક વર્ષ બાદ એનો દિકરો સતત કહેતો રહ્યો કે, હવે મને મારી નાખશે, એનું પણ ખૂન થયું. સર્વમિત્રની છાપ ધરાવતા વિજય રૂપાણી દલિત-મિત્ર બને અને એટ્રોસિટીની ઘટનાની મુલાકાત લે અને આ 15મી ઓગષ્ટ પહેલાં ગુજરાતનું કોઈ પણ એક ગામ અસ્પૃશ્યતા મુક્ત જાહેર કરવાની માંગ કરી હતી.

ધારાસભ્યોની સીડી મામલે અહેમદ પટેલને ઝટકો આપતી હાઈકોર્ટ: પાંચ હજારનો દંડ,જાણો આખો મામલો

ગુજરાત હાઈકોર્ટે કોંગ્રેસના નેતા અહેમદ પટેલને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો કે જ્યારે તેમના વકીલે 2017માં થયેલી રાજ્યસભાની ચૂંટણી પહેલાં ધારાસભ્યો દ્વારા આપવામાં આવેલા નિવેદનોની સીડી રજૂ કરવા માટે સાક્ષીને મંજુરી આપવાની માંગ કરી હતી.

હાઈકોર્ટના જજ બેલાબેન ત્રિવેદીએ અહેમદ પટેલને દંડ ફટકારતા કહ્યું કે કોર્ટે આ પહેલાં પણ તેમની વિનંતીને ફગાવી હતી અને ફરીવાર તે જ આગ્રહ રાખવો તે કાયદાની પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. અહેમદ પટેલના વકીલ પીએસ ચાંપાનેરીએ સોમવારે કહ્યું હતું કે સાક્ષી બલદેવજી ઠાકોરને સીડી રજૂ કરવા માટે મંજુરી આપવામાં આવે. આ સીડીમાં ધારાસભ્યોએ 2017ની રાજ્યસભાની ચૂંટણી પહેલા બેંગ્લુરુ રિસોર્ટમાં રોકાણ દરમિયાન આપેલા નિવેદન છે.

જજ બેલેબેન ત્રિવેદીએ કહ્યું કે કોર્ટની નજરમાં આ મામલામાં વિશેષ કશું નથી પણ પ્રતિવાદી દ્વારા કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે. આગળ કશી પણ વિચારણા કર્યા વિના સાક્ષી બલદેવજી ઠાકોર તરફથી સીડી રજૂ કરવાની માંગને પાંચ જૂલાઈના આદેશના અનુસંધાને ફગાવી દેવાનું યોગ્ય ઠરે છે.

કોર્ટે આદેશમાં કહ્યું કે આવા પ્રકારની માગ ફગાવી દેવા યોગ્ય છે. જેથી કરીને આ માંગ પાંચ હજારના દંડ સાથે ફગાવી દેવામાં આવે છે. પ્રતિવાદી  દ્વારા આ દંડી રકમ હવે પછીની સુનાવણી દરમિયાન જમા કરવામાં આવશે.

હાઈકોર્ટે પાંચ જૂલાઈએ આદેશ જારી કરીને સાક્ષી રોહન ગુપ્તાને પેન ડ્રાઈવ રજૂ કરવાની મંજુરી આપી ન હતી. આ પેન ડ્રાઈવમાં પણ બેંગ્લુરુ રિસોર્ટ દરિમયાન ધારાસભ્યોએ આપેલા નિવેદનોનો સમાવેશ થાય છે.

હાઈકોર્ટમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવાર બલવંતસિંહ ઠાકોરની અરજી પર સુનાવણી કરવામાં આવી રહી છે. બલવંતસિંહે રાજ્યસભાની ચૂંટણી રદ્દ કરવાની અપીલ કરી છે અને કહ્યું હતું કે અહેમદ પટેલે મતદાન માટે કોંગ્રેસના ધારાસભ્યેને લાંચ આપી હતી.