ઈંગ્લેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડીયા પહેરશે ભગવી જર્સી

ટીમ ઈન્ડીયા આગામી 30મી જૂને બર્મિંગહામમાં યજમાન ઈંગ્લેન્ડ સામે રમાનારી વર્લ્ડ કપની મેચમાં બ્લ્યૂ જર્સીના બદલે ઓરેન્જ જર્સી પહેરીને મેદાનમાં ઉતરશે. આઈસીસીએ જણાવ્યું કે ટીમ ઈન્ડીયા ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં માત્ર ઈંગ્લેન્ડ સામેની મેચમાં બ્લ્યૂ જર્સીના બદલે ઓરેન્જ જર્સીમાં મેચ રમશે. આઈસીસીના નિયમો મુજબ યજમાન ટીમે આઈસીસી ઈવેન્ટમાં રમતી વખતે પોતાની જર્સીનાં રંગને જાળવી રાખવાનો હોય છે, તેમાં ફેરફાર કરી શકાતા નથી. જોકે, ભારતની જર્સી બ્લ્યુ રંગની છે અને એવામાં ભારતની જર્સીમાં ફેરફાર કરવામાં આવ્યો છે. યજમાન ઈંગલેન્ડની જર્સીનો રંગ હલકો બ્લ્યૂ છે અને ઈંગલેન્ડની ટીમ પોતાની જર્સીમાં જ રમશે.

નોંધનીય છે કે હાલના વર્લ્ડ કપમાં બીજી જૂને દક્ષિણ આફ્રીકા વિરુદ્વની મેચમાં બાંગ્લાદેશે પોતાની જર્સી બદલી હતી. આ મેચમાં આફ્રિકાના ખેલાડીઓ લીલા રંગની જર્સીના બદલે પીળા કલરની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. શ્રીલંકા, ઈંગ્લેન્ડ અને ભારત વિરુદ્વની મેચમાં અફઘાનિસ્તાનની ટીમ લાલ રંગની જર્સી પહેરશે. ભારત અને અફઘાનિસ્તાનની જર્સીનો રંગ એક જેવો એટલે બ્લ્યૂ છે. શનિવારે થનારી મેચમાં અફઘાનિસ્તાને ભારત સામે જર્સી બદલવી પડે તેવી શક્યતા છે.

શ્રીલંકાની ટીમ ઈંગ્લેન્ડ અને ભારત વિરુદ્વની મેચ દરમિયાન પીળા રંગની જર્સી પહેરીને મેચ રમશે. ક્રિકેટ વર્લ્ડ કપ-2019માં માત્ર બે ટીમ એવી છે કે જે એક જેવી જર્સીમાં જ મેચ રમશે. તેમાં ઈંગ્લેન્ડ લાઈટ બ્લ્યૂ જર્સી સાથે અને વેસ્ટઈંડીઝ મરુન કલરની જર્સી સાથે બધી જ મેચ રમશે. ભારતનો હવે પછી 22મી જૂને અફઘાનિસ્તાન સાથે અને 27મી જૂને વેસ્ટઈંડીઝ અને 30 જૂને ઈંગ્લેન્ડ સાથે મૂકાબલો કરવાનો છે. ઈંગ્લેન્ડ સાથેની મેચ બાદ ટીમ ઈન્ડીયા બીજી જૂલાઈએ બાંગ્લાદેશ અને છઠ્ઠી જૂલાઈએ શ્રીલંકા સાથે મેચ રમશે.