એક કરોડમાં વ્હેલ માછલીની વોમિટ વેચવા નીકળેલા અમદાવાદના લલિત સહિત બેની ધરપકડ

વ્હેલ માછલીની દુર્લભ મનાતી વોમિટ કે એમ્બરગ્રીસને બજારમાં ગેરકાયદે વેચવાની કોશીસ કરી રહેલા એક ગુજરાતી સહિત બેની ઘાટકોપર પોલીસે ધરપકડ કરી છે. વ્હેલની વોમિટ ખૂબજ મોંઘા ભાવે વેચાય છે.

એમ્બરગ્રીસ સ્પર્મ વ્હેલ એ વ્હેલ માછલીના આંતરડામાં બને છે. આ વસ્તુ દરિયામાં તરતી જોવા મળે છે. આનો ઉપયોગ પરફ્યુમ બનાવવામાં થાય છે. ઘાટકોપર પોલીસને બાતમી મળ હતી કે ગુજરાતના અમદાવાદથી આવેલો યુવાન અને અને એક મહારાષ્ટ્રીય દ્વારા વ્હેલ માછલીની વોમિટ વેચવા માટે બજારમાં ફરી રહ્યા છે. નાગપુરના રાહુલ તુપારે નામના યુવાનની પોલીસે ધરપકડ કરતા મામલો બહાર આવ્યો હતો. એક કિલો કરતાં પણ વધારે વજનની વ્હેલની વોમિટ જેની કિંમત 1.7 કરોડ રૂપિયા થાય તેને વેચવાના ફિરાકમાં તુપારે ફરી રહ્યો હતો.

મુંબઈના ઝોન-2ના ડેપ્યુટી પોલીસ કમિશનર અખિલેશસિંહે જણાવ્યું કે જ્યારે રાહુલ તુપારેને પકડવામાં આવ્યો તો તેની પાસેથી પથ્થર જેવો પદાર્થ મળી આવ્યો હતો. તુપારેની આકરી પૂછપરછ કરવામાં આવતા પોલીસને જાણ થઈ કે પથ્થર જેવો જણાતો પદાર્થ વ્હેલ માછલીની વોમિટ છે. તુપારેની પૂછપરછમાં અમદાવાદના લલિત વ્યાસનું નામ ખૂલ્યું હતું. પોલીસે લલિત વ્યાસને પણ પકડી પાડ્યો છે. લલિતે જ તુપારે વ્હેલ માછલીની વોમિટ વેચવાનું કામ સોંપ્યું હતું.

ડીસીપી સિંહે જણાવ્યું કે વ્હેલની વોમિટ થકી બનતું પરફ્યુમ ઉમદા પ્રકારનું હોય છે. કંપનીઓ મોં માંગ્યા ભાવ આપે છે. પદાર્થની તપાસ કરતા એક્સપર્ટે કહ્યું કે જપ્ત કરાયેલો પદાર્થ વ્હેલ માછલી વોમિટ-એમ્બરગ્રીસ જ છે. પોલીસે કહ્યું કે આખાય નેટવર્કની તપાસ કરવામાં આવી રહી છે અને એક ટીમ ગુજરાત મોકલવામાં આવશે. બન્નેની વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

એવું માનવામાં આવે છે કે આ પદાર્થને વ્હેલ વોમિટ અથવા મળત્યાગ મારફથ બહાર ફેંકે છે. અત્યંત કિમતી હોવાના કારમે આને તરતું સોનું પણ કહેવામાં આવે છે. પરફ્યુમ બનાવવામાં આનો ઉપયોગ થાય છે કારણ કે આ ધીમે ધીમે બાષ્પ થઈ જાય છે. આમ તો આ પદાર્થ દરિયામાં જ મળે છે પણ પોલીસને આશંકા છે કે વ્હેલને મારી નાંખીને આ પદાર્થ હાંસલ કરવામાં આવ્યો હોવો જોઈએ. ઉંચા ભાવે વોમિટને ગલ્ફના રાષ્ટ્રોમાં સ્મલીંગ મારફત વેચવામાં આવે છે.

માછીમારો વોમિટને એક જણસની જેમ પણ રાખે છે. પોલીસ અધિકારીએ કહ્યું કે વ્હેલની વોમિટ સાથે એક અંધશ્રધ્ધા પણ જોડાયેલી છે. એવું મનાય છે કે ઉત્તમ સુગંધ માટે વોમિટને સળગાવી માણસ અમીર બની જાય છે.