ભાજપના કાર્યકારી પ્રમુખ બનતા જેપી નડ્ડા, અમિત શાહ પાર્ટી ચીફ બની રહેશે

અમિત શાહને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળવાના ગણતરીના દિવસોમાં જ રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ભાજપના સિનિયર નેતા અને મોદી સરકાર-1માં આરોગ્ય મંત્રી રહેલા જેપી નડ્ડાને ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે અમિત શાહ પાર્ટીના ચીફ તરીકે ચાલુ રહેશે.

ભાજપ સંસદીય બોર્ડની મીટીંગમાં નડ્ડાના નામને મંજુરીની મહોર મારવામાં આવી છે. નડ્ડા અંગેની જાહેરાત કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવી હતી.

જોકે, મોદી સરકારના પ્રથમ કાર્યકાળ દરમિયાન પણ નડ્ડા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખની રેસમાં હતા. પણ તે વખતે અમિત શાહને ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.

રાજનાથસિંહ જાહેરાત કરતા કહ્યું કે અમિત શાહના નેતૃત્વમાં ભાજપને અનેક ચૂંટણી જીતી છે. પણ વડાપ્રધાન મોદી દ્વારા તેમને ગૃહ મંત્રી બનાવ્યા બાદ ખુદ અમિત શાહે પ્રમુખની જવાબદારી અન્યને સોંપવાની ઈચ્છા જાહેર કરી હતી.

રક્ષા મંત્રીએ કહ્યું કે ભાજપ સંસદીય બોર્ડની બેઠકમાં નડ્ડાને પ્રમુખ તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.