નબળું પડેલું વાયુ વાવાઝોડું ઓમાનથી પાછું ફરી રહ્યું છે, જાણો હવે શું થશે?

વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ જવાના કારણે ગુજરાતના માથેથી વાવાઝોડાની ઘાત ટળી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું હતું પરંતુ નબળું પડેલું વાવાઝોડું ઓમાનથી ફરી એક વાર ગુજરાતના કિનારા વિસ્તારો તરફ આગળ વધી રહ્યું હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે. 

હવામાન ખાતાએ આજે સવારે 10 વાગે જાહેર કરેલી સત્તાવાર યાદી મુજબ વાયુ વાવાઝોડું આજે સવારે પોરબંદર-દિવથી 130 કિ.મી અંતરે હતું અને વેરાવળથી 185 કિ.મીના અંતરે હતું. આવનારા 12 કલાકમાં ‘વાયુ’ વાવાઝોડું સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં નબળું પડી પસાર થશે. આ સમય દરમિયાન એટલે કે મોડી સાંજ પછી સૌરાષ્ટ્રના પોરબંદર અને દેવભુમિ દ્વારકાના કાંઠાના વિસ્તારોમાં 60 થી 70 કિ.મી.ની ઝડપે ત્રાટકશે.

આ દરમિયાન સમયાંતરે ઝટકાનો પવન 80 કિ.મી. પ્રતિ કલાકે થઈ શકે છે. જયારે ગીર સોમનાથ – જૂનાગઢમાં મોડી સાંજે કે ત્યારબાદ 40 થી 50 કિ.મી. ઝડપે ફૂંકાશે અને આ દરમિયાન વાયુના કારણે પવનની ઝડપ સમયાંતરે વધીને 60 કિ.મી. સુધી જઈ શકે છે. આ તમામ જિલ્લાઓમાં ત્યારબાદ ધીમે ધીમે હવાનું જોર ઘટતુ જશે.

આજે સવારે મળતા અહેવાલો મુજબ ‘વાયુ’ વાવાઝોડાની ગતિ ધીમી પડી છે અને કલાકના 10 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. વેરાવળથી 185 કિ.મી. પશ્ચિમે દીવથી 250 કિ.મી. પશ્ચિમે, અને પોરબંદરથી ૧૩૦ કિ.મી. દક્ષિણ પશ્ચિમે આજે સવારે સાડા પાંચ વાગ્યે ‘વાયુ’ કેન્દ્રિત થઈ આગળ વધ્યુ હતું. ગુજરાત સરકાર કિનારા વિસ્તારોમાં હજુ પણ એલર્ટ જાહેર કરેલું છે અને અગમચેતીના પગલા ભરવામાં આવી રહ્યા છે.

વાયુની સિસ્ટમ નબળી પડેલી જણાય છે અને તે વેસ્ટર્ન ડિસ્ટબન્સ સર્જીને દરિયા કિનારાના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસાવી શકે છે. 17મી જૂન સુધી દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે.