નવસારીના સાંસદ સીઆર પાટીલની લોકસભા હાઉસ કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક

2019ની ચૂંટણીમાં સમગ્ર દેશમાં સૌથી વધુ મતોથી વિજેતા થયેલા નવસારીના સાંસદ સીઆર પાટીલની લોકસભા હાઉસ કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક કરવામાં આવી છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા તેમને આ નિમણૂંક આપવામાં આવી છે.

આ કમિટી લોકસભાના સાંસદોના રહેણાંક સંબંધિત બાબતોનું કામકાજ સંભાળે છે. પેનલમાં સ્પીકર દ્વારા નિયુક્ત 12 સભ્યોનો સમાવેશ થાય છે અને એક વર્ષનો સમયગાળો હોય છે.

લોકસભા સ્પીકર દ્વારા નિયુક્ત આ કમિટીમાં 12 સભ્યોનો સમાવેશ થાય છે અને એક વર્ષનો સમયગાળો હોય છે.

વીડિયો: સુરત-ઓલપાડની સ્કૂલની ઘટના: નવમા ધોરણના છોકરાની ટપોરીગીરી થઈ વાયરલ

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના જોથાણ ગામે આવેલી કેવી માંગુકીયા સ્કૂલમાં ક્રિકેટમાં બોલ વાગવાનો નજીવી બાબતે વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને ઢોર માર માર્યો તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગ્રાઉન્ડનો ઝઘડો હોસ્ટેલ રૂમ સુધી પહોંચ્યા બાદ જેનાથી બોલ વાગ્યો હતો તે છોકરાને ઢોર માર મારવામાં આવ્યો છે.

માહિતી મુજબ રવિવારે કેવી માંગુકીયા સ્કૂલમાં સ્પોર્ટ્સ ટાઈમ હોય છે અને આ દિવસે છોકરાઓ રમતો રમે છે. રવિવારે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમતી વખતે બેટીંગ કરી રહેલા છોકરાને બોલીંગ કરતા છોકરાનો બોલ વાગી ગયો હતો. બોલ વાગતા છોકરાના ચશ્મા તૂટી ગયા હતા અને તેને સામાન્ય ઈજા પહોંચી હતી. બોલ વાગવાના કારણે ઈજાગ્રસ્ત છોકરો હોસ્ટેલના રૂમમાં આરામ કરવા ગયો હતો. ત્યાર બાદ બોલીંગ કરનાર છોકરો પણ ત્યાં હાજર હતો ત્યારે ઈજા પામેલા છોકરાએ બોલીંગ કરનાર છોકરાને આડેધડ મારવા માંડ્યું હતું અને એટલી હદ સુધી માર્યું હતું તે છોકરો અધમૂવો થઈ ગયો હતો. બાકીના છોકરા માર મારવાની ઘટના વખતે તમાશો જોતા રહી ગયા હતા.

જૂઓ વીડિયો…

કેવી માંગુકીયા સ્કૂલના પ્રિન્સીપાલ દિપકભાઈએ ફોન પર જણાવ્યું કે બોલ વાગવાની સામાન્ય બાબતમાં નવમા ધોરણના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો. ઘટનાની બનતા બન્ને વિદ્યાર્થીના વાલીને બોલાવવામાં આવ્યા હતા. વાલીઓએ સીસીટીવી ફૂટેજ માંગ્યા હતા. જે છોકરાએ બીજા છોકરાને માર માર્યો છે તેને એલસી આપી દઈને સ્કૂલમાંથી તગેડી મૂકવામાં આવ્યો છે. સ્કૂલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. શાળામાં આવી ઘટના ફરી ન બને તે માટે તકેદારી અને અગમચેતી રાખવામાં આવી રહી છે.  

એનકાઉન્ટરથી યુપી ધ્રુજી ઉઠ્યું, 8 દિવસમાં 29 અથડામણ, 24ને ઈજા, 40ની ધરપકડ

ઉત્તરપ્રદેશમાં કાયદા-વ્યવસ્થા અંગે સતત ચાલી રહેલા વિવાદ અંગે યુપી પોલીસે ફરી એક વાર ગુનેગારો સામે ગાળીયો ફીટ કર્યો છે. પોલીસે એનકાઉન્ટર શરૂ કરી દીધા છે. યુપીમાં પાછલા એક અઠવાડિયા દરમિયાન 29 અથડામણ થઈ હતી. જેમાં 40ની ધરપકડ કરવામાં આવી છે. અથડામણ દરમિયાન એક લાખ રૂપિયાનું ઈનામ જેના માથે હતું તેવા ગુનેગારને પણ પોલીસે ઢાળી દીધો છે. આ ઉપરાંત 24 શખ્સોને ઈજા પહોંચી છે. અથડામણ દરમિયાન ચાર પોલીસવાળા પણ ઈજા પામ્યા છે. આંકડા પર નજર નાંખીએ તો યુપી પોલીસે પાછલા 24 ક્લાકમાંજ સાત એનકાઉન્ટર કર્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાયદો-વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈને અધકારીઓને આડે હાથે લીધા છે. આટલું જ નહીં યોગીએ બેદકરકાર અને ફરજ પ્રત્યે ઉદાસીન અધિકારીઓને રિટાયર કરી દેવાની કસરત પણ શરૂ કરી દીધી છે. સીએમ યોગીની કડકાઈનું પરિણામ એ આવ્યું છે કે 24 ક્લાકમાં યુપી પોલીસે સાત જગ્યાએ માથાભારે શખ્સો વિરુદ્વ અભિયાન શરૂ કરી દીધું છે. આમાં માથાભારે તત્વો અને પોલીસ વચ્ચે ફાયરીંગ થયું, જેમાં એક માથાભારેનું મોત થયું અને 6 હિસ્ટ્રીશીટરની ધરપકડ કરવામાં આવી છે.

મુઝફ્ફર નગર જિલ્લામાં સોમવારે રાત્રે મોડી રાત સુધી ચાલેલા એનકાઉન્ટરમાં પોલીસે એક લાખ રૂપિયાનું ઈનામ જેના માથા પર હતું તેવા માથાભારે તત્વને ઉડાવી દીધો હતો. જ્યારે આ જિલ્લામાં અન્ય ત્રણ અથડામણમાં ત્રણ શખ્સો ઈજા પામ્યા હતા. આ સિવાય ગોરખપુર, કાનપુર, સહારનપુરમાં પણ આવા જ પ્રકારના ઓપરેશન કરવામાં આવ્યા હતા.

માથાભારે મનતો આદેશ બલિયાન યુપી પોલીસ માટે મોસ્ટ વોન્ટેડ હતો. મુઝફ્ફર નગર, બાગપત સહિતના જિલ્લાઓમાં હત્યા, ઘાડ-લૂંટ મળી કુલ 30 કરતાં પણ વધારે ગુનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસને લાંબા સમયથી તેની શોધ હતી. તેના પર એક લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસ અને એસટીએફની ટીમે સંયુક્ત રીતે ઓપરેશન કરી તેને મુઝફ્ફરનગરમાં જ ઉડાવી દીધો હતો. તેની પાસેથી 9 મીમી અને 32 બોરની પિસ્તોલ મળી આવી હતી.

રાજીનામા મામલે રાહુલ ગાંધી અફર, નહીં રહે કોંગ્રેસ પ્રમુખ, 51 સાંસદોની અપીલ ફગાવી

યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીના અધ્યક્ષ સ્થાને કોંગ્રેસના સાંસદોની આજે મીટીંગ મળી હતી. આ મીટીંગમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના 51 સાંસદોએ રાહુલ ગાંધીને રાજીનામું પરત ખેંચવા માટે અપીલ કરી હતી, પણ રાહુલ ગાંધી રાજીનામાના મામલે અડગ રહ્યા છે અને તેમણે કહ્યું કે તે હવે કોંગ્રેસના પ્રમુખપદે ચાલુ રહેવા માંગતા નથી.

લોકસભાની ચૂંટણીમાં મળેલા કારમા પરાજ્ય બાદ રાહુલ ગાંધી પ્રમુખ પદે રહેવા માંગતા નથી અને રાજીનામા મામલે મક્કમ છે. કોંગ્રેસના સાંસદ શશી થરુર અને મનિષ તિવારીએ મીટીંગમાં કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં હારની જવાબદારી એકલા રાહુલ ગાંધીની નથી, તમામની સંયૂક્ત જવાબદારી છે. રાહુલ ગાંધીએ સાંસદોની અપીલને ફગાવી કહ્યું કે હારની નૈતિક જવાબદારી મારી છે અને તેના કારણે જ કોંગ્રેસના પ્રમુખ પદે નહીં રહેવાનો નિર્ણય કર્યો છે. તમામ 51 સાંસદોએ રાહુલ ગાંધીને મનાવવાના પ્રયાસો કર્યા પણ રાહુલ ગાંધી પોતાના નિર્ણયમાં અફર રહ્યા હતા.

કોંગ્રેસના સાંસદોએ કહ્યું કે હાલ કોંગ્રેસ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. સિનિયર કોંગ્રેસી નેતાઓએ અગાઉ રાહુલ ગાંધીના સ્થાને પ્રિયંકા ગાંધીને પ્રમુખ બનાવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને લઈ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ગાંધી પરિવાર સિવાયના નામ પર વિચારણા કરવામાં આવે. કોંગ્રેસ કારોબારે રાહુલ ગાંધીના રાજીનામાને ફગાવી દીધું હતું અને કોંગ્રેસને રાહુલ ગાંધીની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. રાહુલ ગાંધીએ કોંગ્રેસમાં કાયાપલટ કરવાની શરૂઆત કરી છે જેને લઈ સિનિયર કોંગ્રેસી નેતાઓ છંછેડાયા છે અને કોંગ્રેસમાં પોતાના કોલર ઉંચા રાખવા માટે રાહુલ ગાંધીની સામે પ્રિયંકા ગાંધીનું નામ મૂક્તા ગાંધી પરિવારમાં જ ડખો ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સિનિયર કોંગ્રેસીઓના ચક્રવૂયહમાં રાહુલ ગાંધી બરાબરના ટ્રેપ થયા છે અને હવે ગાંધી પરિવાર વિના કોંગ્રેસના સંગઠનને ઉભૂં કરવા માટે નવા નામની વિચારણા કરવામાં આવી રહી છે. અહેમદ પટેલ લોબીએ અશોક ગેહલોતનું નામ ચર્ચામાં મૂક્યું છે.

શું અલ્પેશ ઠાકોર માટે બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ સર્જાશે? ન ઘરના અને ન ઘાટના રહેશે?

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે અલ્પેશ ઠાકોર બરાબરના સેન્ડવીચ બની ગયા છે. ભાજપમાંથી કહેવાય છે કે અલ્પેશ ઠાકોર આવે છે અને કોંગ્રેસ કહે છે કે અલ્પેશ ઠાકોરે હવે ગઈ ગુજરી ભૂલીને નવેસરથી કોંગ્રેસ સાથે કામ કરવું જોઈએ. નિર્ણય અલ્પેશ ઠાકોરે કરવાનો છે.
અત્યાર સુધી તો અલ્પેશ ઠાકોર મામલે ભાજપે મંત્રી પદનું લોલીપોપ જ આપ્યું હોવાનું માની શકાય છે. જો ભાજપને અલ્પેશ ઠાકોરને લેવા હોય તો પળનો પણ વિલંબ કરવામાં આવે નહીં. કુંવરજી બાવળીયા અને જવાહર ચાવડાના દાખલા સામે જ છે. બન્નેને કોંગ્રેસમાંથી રાતોરાત લાવી તાત્કાલિક મંત્રી બનાવી દેવાયા હતા. જો આ બન્ને નેતા માટ ભાજપ એકદમ ઝડપથી નિર્ણય કરી શકે છે તો અલ્પેશ ઠાકોર માટે વિલંબ કરવામાં કેમ આવી રહ્યો છે. આ પ્રશ્નનો જવાબ તો કાં ભાજપ આપી શકે છે અથવા તો ખુદ અલ્પેશ ઠાકોર આપી શકે છે.
આ મુદ્દો એટલા માટે ગરમાયો છે કે ભાજપે રાજ્યસભામાં અલ્પેશ ઠાકોરના એક વખતના સાથી જુગલ ઠાકોરને ઉમેદવાર બનાવતા ઠાકોર માટે ભાજપમાં મુશ્કેલી સર્જી દેવામાં આવી છે. જો અલ્પેશ ઠાકોર ભાજપમાં પણ જોડાય તો તેમણે જુગલ ઠાકોરના ચૂંટાયા બાદ જુગલ ઠાકોરના હાથ નીચે જ રહેવાનો વારો આવશે. જુગલ ઠાકોર સાંસદ બનશે અને અલ્પેશ ઠાકોર ધારાસભ્ય. મંત્રી બનશે ત્યારની વાત ત્યારે.
ભાજપે આબાદ દાવ રમ્યો છે. કોંગ્રેસમાંથી અપમાન અને અવગણનાનાં મુદ્દે રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરે રાજકારણમાં ઉતાવળ કરી નાંખી છે. હાર્દિકની જેમ થોડી ધીરજ રાખી હોત તો ચિત્ર બદલાઈ ગયું હોત અને આમ પણ રાજકારણમાં બધા દિવસો સરખા હોતા નથી. જે વ્યક્તિ ટોચ પર જાય છે, તેના જ માણસોને હોદ્દા અને ટીકીટો મળે છે. પછી ભાજપ હોય કે કોંગ્રેસ. સ્થિતિ બન્ને જગ્યાએ સરખી છે. આજે કોંગ્રેસમાં અમિત ચાવડા-ભરતસિંહનો દૌર છે, ભાજપમાં અમિત શાહ અને પીએમ મોદીનો દૌર છે. દરેક સમયે દરેકનો દૌર હોય છે અને દૌર બદલાય તો છેક ઉપરથી નીચે સુધીનું બધું જ બદલાઈ જાય છે.
ભાજપમાં એન્ટ્રી થાય તે પહેલાં જ ભાજપે અલ્પેશને કાબુમાં રાખવા આબાદ સોગઠી મારી છે. એક સમયે ઠાકોર સેનામાં એકસાથે કામ કરનારા અલ્પેશ ઠાકોર અને જુગલ ઠાકોર હાલમાં એકબીજાના કટ્ટર રાજકીય હરીફ છે. ઠાકોર સેના પર અલ્પેશે એકહથ્થું શાસન કરતા જુગલજી ઠાકોરે ક્ષત્રિય ઠાકોર વિકાસ મંચની સ્થાપના કરી હતી.
અલ્પેશ માટે હવે પ્રધાનપદ મેળવવું પણ ખૂબ મુશ્કેલ બની ગયું હોવાનું લાગી રહ્યું છે. આમ તો ભાજપમાં એન્ટ્રી માટે પણ કપરાચઢાણ થઈ ગયા છે. જુગલ ઠાકોરની પસંદગી જ બતાવે છે કે ભાજપે અલ્પેશ ઠાકોરનો વિકલ્પ ઉભો કરી દીધો છે.

જુગલ ઠાકોરને રાજ્યસભામાં મોકલાતા હવે શંકર ચૌધરી માટે પણ પ્રધાન બનવાની તક ઉજળી બની છે. કેમ કે બનાસકાંઠામાંથી બે પ્રધાન બનાવી શકાય તેમ નથી. આ જોતાં અલ્પેશ ઠાકોર માટે પ્રધાનપદ પણ જોખમમાં મુકાયું છે. ભાજપે ચાલેલી આ ચાલને કારણે અલ્પેશનું રાજકીય અસ્તિત્વ ખતરામાં છે તેમ કહીએ તો પણ ખોટું નથી. ભાજપે અલ્પેશ ઠાકોરનું રાજકીય કદ ઘટાડી ન ઘરના ન ઘાટના જેવી દશા કરી છે. હવે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના એવા હોદ્દાઓ છોડ્યા છે જેને હાંસલ કરવા માટે સામાન્ય કોંગ્રેસી પોતાની આખી જિંદગી ઘસી નાંખે છે. ભાજપમાં આટલા બધા હોદ્દા મળશે નહીં એ નક્કી છે. અલ્પેશ ઠાકોર માટે હજુ પણ કશું બગડયું નથી અને પાછી વળી શકાય છે અથવા ભાજપના સહારે અને આશાએ હાલ બેસી રહેવાનું રહેશે અથવા તો આવી જ રીતે ઠાકોર સેનાને ચલાવતા રહેવી પડશે.

સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડનું રિ-રન થતાં રહી ગયું, 150 બાળકોનું કરાયું રેસ્કયુ

સુરતના સરથાણા રોડ પર આવેલા તક્ષશિલા આર્કેડમાં ગયા મહિનાની 24મી તારીખે અગ્નિકાંડ સર્જાયો હતો અને આ ઘટનાને એક મહિનાનો સમય વિત્યો ત્યાં તો સુરતના જ ભટાર રોડ પર આવેલી જ્ઞાન ગંગા હિન્દી સ્કૂલમાં આગની ઘટના બની હતી. જોકે, આગની ઘટના સ્કૂલની બાજુમાં અને નીચેના ભાગ તરફ આવેલા પ્લાસ્ટીકના દાણા અને ફ્લેક્સ બેનર બનાવતા કારખાનામાં લાગી હતી. આગ લાગી ત્યારે સ્કૂલમાં 150 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા.

સુરતના સરથાણા રોડ પર આવેલા તક્ષશિલા આર્કેડમાં ગયા મહિનાની 24મી તારીખે અગ્નિકાંડ સર્જાયો હતો અને આ ઘટનાને એક મહિનાનો સમય વિત્યો ત્યાં તો સુરતના જ ભટાર રોડ પર આવેલી જ્ઞાન ગંગા હિન્દી સ્કૂલમાં આગની ઘટના બની હતી. જોકે, આગની ઘટના સ્કૂલની બાજુમાં અને નીચેના ભાગ તરફ આવેલા પ્લાસ્ટીકના દાણા અને ફ્લેક્સ બેનર બનાવતા કારખાનામાં લાગી હતી. આગ લાગી ત્યારે સ્કૂલમાં 150 બાળકો અભ્યાસ કરી રહ્યા હતા.

ફાયર બ્રિગેડના જાણ કરવામા આવતા તાત્કાલિક ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બાળકોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં કોઈને ઈજા પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા નથી. 

તક્ષશિલા અગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા હતા અને પોલીસ સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ આવી કેટલીક શાળાઓ ફાયર સેફટીના સાધનો વિના ધમધમી રહી હોવાના પુરાવા મળી રહ્યા છે ત્યારે સુરત મહાનગર પાલિકાના તંત્ર સામે ફરી એક વાર પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. તંત્રની નફ્ફટાઈ સામે આવી રહી છે. 

ભાજપના ઉમેદવાર એસ.જયશંકર અને જુગલ ઠાકોરે ભર્યા ફોર્મ

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકર અને જુગલ ઠાકોરે ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવા ટાણે મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘામી વગેરે હાજર રહ્યા હતા.

ફોર્મ ભર્યા બાદ વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે ગુજરાતીઓ સાથે વિદેશ સચિવ તરીકેનો નાતો રહ્યો છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં પણ વિદેશમાં વસતા ગુજરાતીઓ સાથે સંપર્કમાં રહ્યો છું. ગુજરાત એક ગ્લોબલ સ્ટેટ છે. અને સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓ જોવા મળે છે.

ગુજરાતમાંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવી તે માટે તેમણે ભાજપના નેતાઓ અને ગુજરાતીઓનો આભાર માન્યો હતો.

પત્રકાર પરિષદમાં ભાજપના ઉમેદવાર જુગલ ઠાકોર પણ હાજર રહ્યા હતા. જુગલ ઠાકોરે પણ લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે પ્રયાસ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

વાર્યા ન વર તે હાર્યા વરે, ગૌરવ પંડ્યા-ચંદ્રીકાબેન ચૂડાસમાએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદો આવ્યા બાદ પણ કોંગ્રેસે પીછેહઠ કરી નથી અને ભાજપના ઉમેદવારોની સામે પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. કોંગ્રેસના સિનિયર નેતા ગૌરવ પંડ્યા અને ચંદ્રીકાબેન ચૂડાસમા એ રાજ્યસભા માટે પોતાની ઉમેદવારી કરી છે. કોંગ્રેસે જીતનો દાવો પણ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની પીટીશન ફગાવી દઈ ચૂંટણી પંચ સમક્ષ મુદ્દાને લઈ જવા જણાવ્યું છે ત્યારે કોંગ્રેસ પાસે હવે ચૂંટણી પંચ સમક્ષ જવાનો રસ્તો છે પણ ચૂંટણી પંચે બે સીટ માટે અલગ અલગ ચૂંટણી કરવાના નિર્ણય અંગે કોર્ટમાં સૌગંધનામું આપી કહ્યું છે કે બે સીટ માટે અલગ અલગ ચૂંટણી કાયદા મુજબ જ કરવામાં આવી રહી છે.

રાજ્યસભાની સ્થિતિ એ છે કે કોંગ્રેસ પાસે ફર્સ્ટ રેફરન્સના વોટ છે અને એક સાથે ચૂંટણી થતે તો કોંગ્રેસેને ફાયદો થતે પણ અલગ અલગ ચૂંટણીના કારણે કોંગ્રેસના ઉમેદવારોનો પરાજ્ય નિશ્ચત હોવાનું જાણકારો કહી રહ્યા છે. છતાં પણ કોઈ રાજકીય વળાંક આવે છે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે.

સુરતના ડાયમંડ માર્કેટમાં સોપો, 3 હજાર કરોડના હીરા જપ્ત કરતુું મુંબઈ કસ્ટમ

સુરતનાં હીરા ઉદ્યોગપતિના વિદેશથી આવી રહેલા ત્રણ હજાર કરોડના રફ હીરાઓને મુંબઈ પોર્ટ પર કસ્ટમ વિભાગે જપ્ત કરી લેતા સુરતના હીરા બજારમાં સોપો પડી ગયો છે. કસ્ટમ વિભાગે મિસ ડીક્લેરેશનની આશંકાએ હીરા માલિકોની પૂછપરછ ચાલુ કરી છે. હીરા ઉદ્યોગના સૂત્રોના જણાવ્યાં અનુસાર મુંબઈ પોર્ટ પર સુરતના એક મોટા હીરા વેપારીએ રફ હીરાઓના 23 પાર્સલ મંગાવ્યા હતા.

મુંબઇના કસ્ટમ વિભાગ દ્વારા સુરતના હિરા ઉદ્યોગના વેપારીઓના હિરાને મેમો નંબર 03/2019થી ડાયમન્ડ સેક્શન 110 મુજબ જપ્ત કરવામાં આવ્યા છે. હીરા ઉદ્યોગપતિએ કસ્ટમ વિભાગને 1856 કેરેટ હીરા આયાત કરવાની માહિતી આપી હતી પરંતુ પાર્સલની તપાસ કરતા તેમાં 62,837 કેરેટ હીરા મળી આવ્યા હતા. આમ, મુંબઇ કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા હિરાઓ 62,837 કેરેટના હતા જે સરકારી ચોપડે માત્ર 1854 કેરેટ દર્શાવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

કસ્ટમ વિભાગને આશંકા છે કે આ ઉદ્યોગપતિએ અગાઉ પણ ખોટી માહિતી આપીને હીરા આયાત કર્યા છે અને સ્થાનિક માર્કેટમાં વેચી દીધા છે. કસ્ટમ વિભાગને પ્રાથમિક જાણકારીમાં મળેલ પુરાવાઓના આધારે આ હીરા ઉદ્યોગપતિ પાસેથી કાચા હીરા ખરીદનાર અન્ય 12 ઉદ્યોગપતિઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. જો કે આ અંગે હીરા ઉદ્યોગપતિઓએ જણાવ્યું હતું કે કસ્ટમ વિભાગ અમને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે આયાત કરવામાં આવેલ હીરાનાં જરૂરી કાગળો પણ અમારી પાસે છે.

ગુજરાત રાજ્યસભા ચૂંટણી, કોંગ્રેસને મોટો ઝટકો આપતી સુપ્રીમ કોર્ટ: બન્ને સીટની ચૂંટણી અલગ અલગ થશે

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં સુપ્રીમ કોર્ટે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસની પીટીશન ફગાવી દઈ ગુજરાતની બન્ને સીટ પર અલગ અલગ ચૂંટણી યોજવાના ચૂંટણી પંચના જાહેરનામાને બહાલી આપી દેતા કોંગ્રેસની મનની મુરાદ મનમાં જ રહી જવા પામી છે. હવે બન્ને સીટ પર ભાજપના ઉમદેવારોનો વિજય આસાન બની રહેવાનો છે.

ચૂંટણી પંચના જાહેરનામાની વિરુદ્વ ગુજરાત વિધાનસભાના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ચૂંટણી પંચના જાહેરનામાને પડકારતી અરજી કરી હતી. કોર્ટે આ મામલે સુનાવણી કરવાનો ઈન્કાર કરી ચૂંટણી પંચ સમક્ષ જવાનું જણાવ્યું હતું.

પરેશ ધાનાણીએ પીટીશનમાં પંચના અલગ અલગ ચૂંટણી કરવાના જાહેરનામાને ગેરબંધારણીય ગણાવ્યું હતું અને બંધારણના આર્ટિકલ 14નુ ઉલ્લંઘન થતું હોવાનું કહ્યું હતું.

અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં જીતી ગયા બાદ ગુજરાતમાં રાજ્યસભાની બે સીટની પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે. ભાજપે વિદેશ મંત્રી એસ.જયશંકર અને ઠાકોર સેના એવ વખતના નેતા જુગલ ઠાકોરને રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે.