સુરતમાં દારૂના નશામાં બેકાબૂ બનેલા ટ્રક ડ્રાઇવરે 12 વાહનોનો ભુક્કો બોલાવ્યો

સુરતના જહાંગીપુરા બ્રિજ પાસે ડ્રક ડ્રાઈવરે દારુના નશામાં છાકટા બની બેફામ ટ્રક હંકારી હતી. નશાબાજ ટ્રક ડ્રાઈવરે બ્રિજ પાસે ટ્રકને ગમે તેમ હંકારતા ઓછામાં ઓછી 12 ગાડીઓનો ભૂક્કો બોલાઈ ગયો હતો. જહાંગીરપુરા-ડભોલી-સિંગણપોરને જોડતા બ્રિજ પાસે આ ઘટના ઘટી હતી.

ગત મોડી રાત્રે બનેલી આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો છે. જ્યારે ટ્રક ડ્રાઈવર ટ્રકને બેફામ ગમે તેમ હંકારી રહ્યો હતો ત્યારે રસ્તાની આજુબાજુ 100 જેટલા લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું. સદ્દનસીબે કોઈને અકસ્માત નડયો ન હતો. લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

શરૂઆતમાં ટ્રકઈન બ્રેક ફેઈલ થઈ ગઈ હોવાની વાત પ્રસરી હતી. ડ્રાઈવરે દ્વારા ટ્રકને ખેતરમાં ઉતારી ત્યાંથી રિવર્સ કરતી વખતે તેની અડફેટમાં 12 ગાડીઓનો કચ્ચરઘાણ નીકળી ગયું હતું. ટ્રક ડ્રાઈવરને લોકોએ પકડી બરાબરનો મેથીપાક આપ્યો હતો તપાસ કરતા માલમ પડ્યું હતું કે ડ્રાઈવરે ચિક્કાર દારુ પીધો હતો. ડ્રાઈવરનું નામ મહેશ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે જહાંગીર પુરા બ્રિજ પાસે પહોંચીને વાહન ચાલકની ફરીયાદના આધારે ટ્રક ડ્રાઈવરની વિરુદ્વ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

અમેઠીમાં બૂથ કેપ્ચરીંગ: સ્મૃતિ ઈરાનીના આરોપોને ફગાવતું ચૂંટણી પંચ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો પર અમેઠીમાં ગઈકાલે થયેલા મતદાન દરમિયાન બૂથ કેપ્ચરીંગનો આરોપ મૂકનારા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને ફટકો પડ્યો છે. ચૂંટણી પંચે ઈરાનીના બૂથ કેપ્ચરીંગના આરોપો ફગાવી દીધા છે.

સોમવારે અમેઠીના ગૂજરટોલાના બૂથ નંબર 316 પર મહિલા વોટ આપવા આવી ત્યારે આ બૂથના પ્રિસાઈડીંગ ઓફીસરે મહિલાને કોંગ્રેસનું બટન દબાવવાનું કહ્યું હતું અને કોંગ્રેસના પંજાને બળજબરીથી વોટ અપાવ્યો હતો.

અમેઠીમાં વયસ્ક મહિલાનો વીડિયો વાયરલ થયો ત્યાર બાદ ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાનીએ 23 સેકન્ડના વીડિયોને ટવિટર પોસ્ટ કર્યો અને લખ્યું હતું કે ચૂંટણી પંચ એલર્ટ, રાહુલ ગાંધી બૂથ કેપ્ચરીંગ કરવાનું પાક્કું કરી રહ્યા છે.

મામલો આગળ વધતા યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી વ્યંકટેશ્વર લૂએ કહ્યું કે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા લગાવવામાં આવેલા આરોપો નિરાધાર છે. જે બુઝુર્ગ મહિલાનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે તે પણ આધારહિન છે.

સ્મૃતિના આરોપ બાદ બૂથમાં સેક્ટર ઓફીસર અને પંચના વરિષ્ઠ અધિકારીઓ બૂથમાં પહોંચી ગયા હતા. રાજકીય પાર્ટીઓના પોલીંગ એજન્ટ અને બૂથમાં હાજર કર્મચારીઓની પૂછપરછ કરી હતી અને પરિણામ સ્વરૂપ સ્મૃતિના આરોપમાં જરા પણ સત્ય અને તથ્ય ન હોવાનું જણાઈ આવ્યું હતું. જોકે, વીડિયો વાયરલ થયા બાદ પ્રિસાઈડીંગ ઓફીસરને હટાવી લેવામાં આવ્યા હતા. આ અંગે હજુ પણ તપાસ ચાલી રહી છે.

ઈરાનથી ક્રુડ ખરીદવાનું બંધ, અમેરિકાએ આપ્યું નવું ટેન્શન

અમેરિકાના પ્રતિબંધોની મર્યાદા સમાપ્ત થયા બાદ ભારતે ઈરાન પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું બંધ કરી દીધું છે. હવે અમેરિકાએ ભારતને નવું ટેન્શન આપ્યું છે. સોમવારે અમેરિકાએ કહ્યું કે ઈરાન પાસેથી ભારત દ્વારા આયાત કરાતા ક્રુડ ઓઈલને બંધ કરી દેવાના કારણે થનારા નુકશાનનું વળતર આપવા માટે સસ્તા ભાવે ક્રુડ આપવાની ખાતરી આપી શકે એમ નથી. ટ્રેડ ફોરમમાં ભાગ લેવા ગયેલા અમેરિકાન કોમર્સ સેક્રેટરી વિલ્બર રોસે આ પ્રમાણે મીડિયાને કહ્યું હતું.

વિલ્બર રોસે કહ્યું કે ક્રુડ પર માલિકી અધિકાર પ્રાઈવેટ હાથોમાં છે જેના કારણે ભાવમાં છૂટઆપવા સરકાર લોકો પર દબાણ કરી શકે એમ નથી. તમને જણાવી દઈએ કે ઈરાનથી ક્રુડ ઓઈલ ખરીદવું ભારતીય રીફાઈનરીઓ માટે લાભાકારક હોય છે. ક્રુડ ઓઈલની ખરીદી બાદ ચૂકવણી માટે ઈરાન 60 દિવસનો સમયગાળો આપે છે. આ સુવિધા સાઉદી અરબ, કુવૈત, ઈરાક, નાઈજિરીયા અને અમેરિકા જેવા દેશો આપતા નથી.

અમેરિકાએ ભારતને ખાતરી પણ આપતા કહ્યું કે તે સાઉદી અરબ અને યૂનાઈટેડ અરબ અમીરાત જેવા દેશો સાથે વાતચીત કરી રહ્યું છે અને જેના કારણે ભારતને અમેરિકી પ્રતિબંધો હોવા છતાં ક્રુડ ઓઈલનું સપ્લાય મળી શકે. આ દરમિયાન પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ભારતીય રીફાઈનરીઓ પાસે જરૂરિયાત પ્રમાણે સક્ષમ યોજના તૈયાર છે.

નાણા મંત્રી અરુણ જેટલીએ નોર્થ બ્લોકમાં અમેરિકન ટ્રેડ સેક્રેટરી વિલ્બર રોસ સાથે મુલાકાત કરી હતી અને ઈરાન પર અમેરિકન પ્રતિબંધોમાં છૂટની મર્યાદા વધારવામાં ન આવતા ભારતમાં ક્રુડના સપ્લાયમાં થનારી પ્રતિકુળ અસર અંગે અવગત કરવામાં આવ્યા તો ભારત ખાતેના અમેરિકી રાજદૂત કેનિથ સ્ટારે ભારતમાં ક્રુડની સપ્લાય પર કોઈ અસર નહીં પડવાનું આશ્વાસન આપ્યું હતું. અત્રે નોંધનીય છે કે અમેરિકા દ્વારા ઈરાનથી ક્રુડની આયાત કરનારા દેશોને પ્રતિબંધમાં છૂટ આપવામાં ન આવતા ભારતે બીજી મેથી ઈરાનથી ક્રુડની આયાત કરવાનું બંધ કરી દીધું છે. ટ્રમ્પ શાસને પ્રતિબંધના કારણે મળનારી છૂટની સમય મર્યાદા વધારવાનો ઈન્કાર કરી દીધો છે.

લોકસભા ચૂંટણી: પાંચમા તબક્કામાં 71 સીટ પર 62.56 ટકા વોટીંગ, બંગાળ ફરી નંબર વન

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા માટે 71 સીટ પર મતદાન પૂર્ણ થયું છે. ચૂંટણી પંચથી પ્રાપ્ત થયેલા આંકડા મુજબ પાંચમા તબક્કામાં 62.56 ટકા વોટીંગ નોંધાયુ છે. આ તબક્કામા યુપીની 14 સીટ પર પણ ચૂંટણી થઈ છે. અનેક દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં કૈદ થયું છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, રાજનાથસિંહ અને યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધીની સીટ માટે પણ આ તબક્કામાં મતદાન થયું છે. પાંચમા તબક્કામાં 51 સીટમાં 8.76 કરોડ નોંધાયેલા મતદારો છે અને 674 ઉમેદવાર ચૂંટણી રહ્યા છે.

બિહારની પાંચ સીટ માટે 8899 મતદેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. પાંચ સીટ પર કુલ મળીને 57.86 ટકા વોટીંગ થયું છે. જ્યારે યુપીમાં 14 લોકસભા સીટ માટે મતદાન કરવામાં આવ્યું હતું. અહીંયા 57.33 ટકા વોટીંગ થયું છે.

સાંજં 6 વાગ્યા સુધીમાં પ.બંગાળમાં સૌથી વધુ 73.97 ટકા વોટીંગ થયું છે. મધ્યપ્રદેશમાં 62.6 ટકા, રાજસ્થાનમાં 63.75 ટકા, ઝારખંડમાં 63.73 ટકા અને જમ્મૂ-કાશ્મીરમાં 17.07 ટકા વોટીંગ થયું છે. જમ્મૂ-કાશ્મીરમાં લદ્દાખની સીટ પર 63.76 ટકા વોટીંગ નોંધાયું છે. જ્યારે અનંતનાગમાં 8.76 ટકા વોટીંગ થયું છે.

લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં યુપીમાં 14, રાજસ્થાનમાં 12, મધ્યપ્રદેશ અને પ.બંગાળમાં સાત-સાત, બિહરામાં પાંચ, ઝારખંડની ચાર અને જમ્મૂ-કાશ્મીરની બે સીટ પર મતદાન થયું છે.

2014ની લોકસભા ચૂંટણીમાં આ 51 સીટ પૈકી ભાજપે 39 સીટ જીતી હતી. રાજસ્થાનમાં 12, યુપીમાં 14માંથી 12, એમપીમાં તમામ સાત સીટ, બિહારમા પાંચમાંથી ત્રણ, ઝારખંડની ચારે તાર સીટ અને જમ્મૂ-કાશ્મીરની બે સીટમાંથી એક સીટ પર વિજય હાંસલ કર્યો હતો. ભાજપ માટે પાંચમો તબક્કો અગત્યનો બની રહેવાનો છે.

સેક્સયુઅલ હેરેસમેન્ટ પ્રકરણમાં ચીફ જસ્ટીસ ગોગોઈને ક્લિન ચીટ, આરોપોમાં નથી દમ

સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે જસ્ટીસ એ.એસ.બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ જજની સર્વોચ્ચ અદાલતની આંતરિક સમિતિએ કોર્ટના પૂર્વ મહિલા કર્મચારી દ્વારા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ વિરુદ્વ કરેલા સેક્સયુઅલ હેરેસમેન્ટ(યૌન ઉત્પીડન)ના આરોપોમાં કોઈ દમ ન હોવાનું નિર્ધારિત કર્યું છે. સમિતિએ ચીફ જસ્ટીસ ગોગોઈને પોતાના રિપોર્ટમાં ક્લિન ચીટ આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારી દ્વારા ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ પર યૌન ઉત્પીડન કરવાનો આરોપ મૂકી સુપ્રીમ કોર્ટના 22 જજના ઘરો પર પોતાનું સૌગંધનામું મોકલ્યું હતું. આ સૌગંધનામાના આધારે ન્યૂઝ પોર્ટલોએ આ અંગેના સમાચારો પ્રકાશિત પણ કર્યા હતા.

સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ પછીના સૌથી મોટા જજ જસ્ટીસ એ.એસ.બોબડેની અધ્યક્ષતામાં ત્રણ જજની પેનલ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્રણેય જજોની તપાસ પૂર્વ કર્મચારીના આરોપમાં કોઈ પણ પ્રકારનું તથ્ય ન હોવાનું જણાઈ આવ્યું હોવાની જાણકારી મળી રહી છે.

સુપ્રીમ કોર્ટના સેક્રેટરી જનરલની ઓફીસે નોટીસ જારી કરી કહ્યું હતું કે આંતરિક પ્રક્રિયાનો ભાગ હોવાથી રિપોર્ટને જાહેર કરવામાં આવશે નહી. ત્રણેય જજોએ પાંચમી મેએ જસ્ટીસ બોબડેને પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. હવે આ રિપોર્ટને સંબંધિત જજ અને ચીફ જસ્ટીસને મોકલવામાં આવશે.

જસ્ટીસ બોબડેની અધ્યક્ષતાવાળી સમિતિમાં બે મહિલા જજ નામે જસ્ટીસ ઈન્દુ મલ્હોત્રા અને જસ્ટીસ ઈન્દીરા બેનરજી પણ સામેલ હતા. આરોપ મૂકનારી મહિલા કર્મચારીએ બે દિવસ સુધી પોતાનું નિવેદન નોંધાયું હતું ત્યાર બાદ ચીફ જસ્ટીસ ગોગોઈએ પણ સમિતિ સમક્ષ હાજર થયા હતા.  

પોરબંદર: પાકિસ્તાન મરીન સિક્યોરીટી દ્વારા 6 ભારતીય બોટ, 30 માછીમારનું અપહરણ

પાકિસ્તાની મરીન દ્વારા 6 બોટ અને 30 જેટલા માછીમારોનુ અપહરણ કરાયુ હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ ઘટનાની જાણકારી બહાર આવતા ચકચાર મચી જવા પામી છે.

પોરબંદર નજીક આવેલા આઈએમબીએલ  ખાતે બની હોવાની માહીતી મળી રહી છે. આઈએમબીએલ પાસે ફીશીગ કરતી વેળા માછામારોને પાકિસ્તાની મરીન સિક્યોરીટી દ્વારા અપહરણ કરી લેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અપહરણ કરાયેલી બોટો પોરબંદર અને ઓખાની હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પોરબંદર નજીક બનેલી આ ઘટનાના કારણે સિક્યોરિટી ફોર્સીસને સાબદી કરી દેવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાજપના આ વરિષ્ઠ નેતાએ કહ્યુંકે ભાજપ બહુમતિથી પાછળ રહી શકે છે

કેન્દ્રમાં સત્તારૂઢ ભાજપના વરિષ્ઠ નેતા રામ માધવે કહ્યું કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપ બહુમતિથી પાછળ રહી શકે છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભાજપના પ્રમુખ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી અરુણ જેટલી સહિત તમામ બહુમતિના દાવા કરી રહ્યા છે કે ભાજપ પોતાના બળે બહુમતિ હાસલ કરી લેશે.

ભાજપના મહાસચિવ રામ માધવના આ નિવેદનની સાથે જ ચૂંટણીમાં પહેલી વાર ગઠબંધનનો મુદ્દો ઉભો થયો છે. બ્લુમબર્ગને આપેલા ઈન્ટરવ્યુમાં રામ માધવે કહ્યું કે જો અમે અમારા બાહુબળે 271 સીટ હાંસલ કરી લઈશું તો એ સારામાં સારી વાત બની રહેશે. જોકે, તેમણે કહ્યું કે એનડીએને પૂર્ણ બહુમત મળશે.

રામ માધવે કહ્યું કે 2014માં જ્યાં રેકોર્ડ બ્રેક સીટો હાંસલ કરી હતી તેવા ઉત્તર ભારતમાં ભાજપને નુકશાન થઈ શકે છે. જ્યારે પૂર્વોત્તર અને ઓડીશા અને પ.બંગાળમાં ભાજપને ફાયદો થવાની શક્યતા છે. જો અમે સત્તામાં પરત ફરીશું તો વિકાસની નીતિને આગળ વધારીશું.

પાકિસ્તાનના મુદ્દા પર રામ માધવે કહ્યું કે પાકિસ્તાને આતંકવાદ વિરુદ્વની લડાઈમાં પ્રમાણિકતા દર્શવવાની જરૂર છે. ચૂંટણી પત્યા બાદ ત્રણ સપ્તાહમાં એસસીઓ(સાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન)ની સમીટ મળી રહી છે અને આ સમીટમાં પીએમ મોદી અને ઈમરાન ખાન આમને સામને હશે. પાકિસ્તાન પાસે આ તક છે કે એક મહિનાની અંદર આતંકવાદ અંગે નક્કર કાર્યવાહી કરે છે તો સંબંધોમાં સુધારો થવાની શક્યતા છે.

તેમણે કહ્યું કે વિદેશ નીતિમાં ચીન અને ભારતની મિત્રતાનો એક મજબૂત ઉદાહરણ મળ્યું છે. બેલ્ટ એન્ડ રોડ સમજૂતી અંગે રામ માધવે કહ્યું કે જ્યાં સુધી સંપ્રભુતાનો મુદ્દો ઉકેલાતો નથી ત્યાં સુધી કોઈ સમજૂતીને અવકાશ રહ્યો નથી. આ યોજનામાં પાકિસ્તાન 60 બિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે. અમારું માનવું છે કે એકપક્ષીય રીતે આખીય યોજના તૈયાર કરવામાં આવી છે.

કેએલ રાહુલે અપાવ્યો પંજાબને વિજય, ચેન્નઈની 6 વિકેટે હાર

મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડીયમમાં રમાયેલી આઈપીએલની મેચમાં કેએલ રાહુલે 71 રનની ધમાકેદાર ઈનિંગ્સની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સને પછાડી કિંગ્સ ઈલેવન પંજાબને 6 વિકેટે વિજય અપાવ્યો હતો.

11મી ઓવરમાં હરભજને પંજબની સળંગ બે વિકેટ ખેરવી લીધી હતી. કેએલ રાહુલને 71 રન અને ક્રિસ ગેલને 28 પર પેવેલિયન ભેગા કરી દીધા હતા. ત્યાર બાદની ઓવરમાં પણ ભજ્જીએ મયંક અગ્રવાલને પણ આઉટ કર્યો હતો.

આ પહેલાં ફાફ ડુ પ્લેસિસે 96 રનની આક્રમક ઈનિંગ્સ રમી હતી અને સુરેશ રૈનાએ ફિફટી(53) મારી હતી. ચેન્નઈએ 20 ઓવરમાં પાંચ વિકેટના ભોગે 171 રન કર્યા હતા.

ટોસ હારીને બેટીંગ પર ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સના શેન વોટ્સન સાત રન બનાવ્યા હતા જ્યારે ડુ પ્લેસિસે પ્રથમ વિકેટ માટે 4.1 ઓવરમાં 30 રન બનાવ્યા હતા. સારી શરૂઆત બાદ ચેન્નઈને પાંચમી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. સૈમ કુરેને વોટસનનને બોલ્ડ કર્યો હતો. ત્યાર બાદ રૈના અને ડુ પ્લેસિસે મળીને 120 રનની પાર્ટનરશીપ કરી હતી. 53નાં અંગત સ્કોર પર રૈના આઉટ થયો. રૈના બાદ ડુ પ્લેસિસને પણ કુરેન ક્લિન બોલ્ડ કર્યો હતો.  ધોનીએ 12 રન અને બ્રાવો એક રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા. અંબાતી રાયડુ એક રન બનાવીને આઉટ થયો જ્યારે કેદાર જાદવ ઝીરો પર પેવેલિયન ભેગો થયો હતો.

હાર બાદ પણ ચેન્નઈ સુપર કિગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે અને પ્લે ઓફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગઈ છે.

વિંગ કમાન્ડર અભિનંદનનો વીડિયો થયો વાયરલ, જવાનોએ સેલ્ફી લેવા કરી પડાપડી

પાકિસ્તાની સરહદમાં ધૂસીને એફ-16 વિમાનને ક્રેશ કર્યા બાદ હીરો બનીને ઉભરેલા ભારતીય હવાઈ દળના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનો તરોતાજા વીડિયો વાયરલ થયો છે. પાકિસ્તાનના વિમાનને તોડી પાડ્યા બાદ માત્ર બે દિવસ પાકિસ્તાનની કેદમાં રહેલા અભિનંદનનો જે વીડિયો વાયરલ થયો છે તેમાં તેઓ સાથી સૈનિકો સાથે મોજ મસ્તી કરતા જણાય છે. સમાચાર એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. સાથી સૈનિકો અભિનંદનની સાથે સેલ્ફી લેતા જોવા મલી રહ્યા છે. અભિનંદન ફરીથી ફરજ હાજર થઈ ગયા છે. વીડિયો જમ્મૂ-કાશ્મીરનો છે. અભિનંદનની મૂંછ પણ વધારે ઝાડી અને લાંબી થઈ ગઈ હોવાનું જણાય છે.

સાથી સૈનિકોને અભિનંદન કહે છે કે હવે વધારે ફોટો નહીં પરંતુ સાથીઓ માનતા જ નથી. 1 મીનીટ 59 સેકન્ડનો આ વીડિયો છે. અભિનંદન કહે છે કે હું તમને બતાવું છું કે મેં તમારી સાથે ફોટો કેમ ખેંચાવડાવ્યો છે. આ બધા ફોટો તમારા માટે નહીં પણ તમારા પરિવાર માટે છે. હું તેમને મળી શક્યો નથી. મારા શૂભેચ્છાઓ તેમના માટે છે. જ્યારે તમે આ ફોટો તેમને બતાવો કે કહેજો કે મારા તરફથી ઓલ ધ બેસ્ટ. ઘણા લોકોની પ્રાર્થના હતી મારા સાજા થવા માટે. તેમાં તમારા બધાના પરિવારજનો પણ હતા. આ તમામ ફોટો તમારા માટે નહીં પણ તમારા પરિવાર માટે છે.

ગયા ફેબ્રુઆરી મહિનાની 14મી તારીખે જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે સેનાના જવાનોના કાફલા પર આતંકી હુમલો થયો હતો. ત્યાર બાદ ભારતીય સેનાએ બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી. અને જૈશના કેમ્પ તબાહ કરી દીધા હતા. ત્યાર  બાદ પાકિસ્તાને ભારતીય સીમામાં લડાકુ વિમાન મોકલ્યા હતા. આ વિમાનને ખદેડી મૂકવા માટે વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાની સરહદ સુધી ઘૂસી ગયા હતા. પાકિસ્તાને તેમને યુદ્વ કૈદી બનાવ્યા હતા. ભારતના દબાણના કારણે માત્ર બે દિવસ બાદ અભિનંદનનો પાકિસ્તાની કૈદમાંથી છૂટકારો થયો હતો.

દિલધડક ઓપરેશન: બોટાદના જંગલમાંથી ATSની મહિલા ટીમે મોસ્ટ વોન્ડેટ જુસબને કેવી રીતે ઝબ્બે કર્યો?

જૂનાગઢના મોસ્ટ વોન્ટેડ આરોપી જુસબ અલ્લારખ્ખાને ગુજરાત ATSની મહિલા ટીમે દિલધડક ઓપરેશન કરીને  પકડી પાડવામાં આવ્યો છે. ગુજરાત ATSની મહિલા ટીમના જુસબ સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં ખાસ્સો વાયરલ થયો છે. ATSની મહિલા ટીમના સંતોક ઓડેદરા, નિતમિકા ગોહિલ, અરુણા ગામેતી અને સીમ્મી મલનો ફોટોમાં ચારેયના હાથમાં ગન છે અને ફોટોમાં જુસબને બાંધેલો જોવા મળે છે.

જુસબ અલ્લારખાની વિરુદ્વ જુનાગઢમાં હત્યા, ખંડણી અને લૂંટના અનેક કેસો નોંધાયેલા છે અને તે પાછલા કેટલાક વખતથી નાસતો ફરતો હતો. ATSની મહિલા ટીમને બાતમી મળી હતી કે જુસબ બોટાદના જંગલમાં લપાઈને બેઠો છે. તેના નંબર પણ પોલીસે ટ્રેસ કર્યા હતા. જુસબ જંગલમાં રહીને મોબાઈલનો બહુ ઓછો ઉપયોગ કરતો હતો પરંતુ મહિલા ટીમે જંગલનેં ફેંદી વળ્યું હતું અને તેના ઠેકાણેને શોધી કાઢયો હતો. જંગલમાં એક કોટડીમાં જુસબ લપાઈને બેઠો હોવાની ખાતરી થતાં જ મહિલા ટીમ હરકતમાં આવી હતી અને તેને ઘેરી વળી હતી. હથિયારધારી મહિલા ટીમને જોઈ જુસબ ડરી ગયો હતો અને કાંપવા લાગ્ય્યો હતો. પોલીસ ટીમ જુસબને શરણે આવવાની ચેતવણી આપી અને જો શરણે નહીં આવે તો કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી. છેવટે ATSની મહિલા ટીમે કોટડમાં લપાઈને બેઠેલા જુસબને ઝબ્બે કરવામાં સફળતા હાંસલ કરી હતી.

ગુજરાત ATSની મહિલા ટીમના આ દિલધડક ઓપરેશન અંગે ચારેકોરથી તેમના પર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે,