અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસ દ્વારા ધમધમાટ, સ્પીકરને ફરી કરી રજૂઆત

રાધનપુરના કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ધારાસભ્યપેદથી ગેરલાયક ઠેરવવા માટે કોંગ્રેસે ગુજરાત વિધાનસભાના સ્પીકરને ફરી એક વખત રજૂઆત કરી છે. કોંગ્રેસે કરેલી રજૂઆત બાદ સ્પીકરે 6 વાંધા કાઢી પંદર દિવસમાં ખુલાસો કરવા કોંગ્રેસને મહેતલ આપી હતી, પરંતુ કોંગ્રેસને સ્પીકરની વાંધાવાળા નકલ મળતા વિધાનસભાના દંડક અશ્વિન કોટવાલે સચિવ અને સ્પીકરને આજે મળી ફરી વાર રજૂઆત કરી હતી.

વિધાનસભાના કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલે જણાવ્યું કે રજિસ્ટર એડી કે અન્ય માધ્યમ મારફત મોકલેલો પત્ર 6 દિવસ થયા પછી પણ મળ્યો નથી. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ સમક્ષ ફરી વાર રજૂઆત કરી અલ્પેશ ઠાકોર મુદ્દે કોંગ્રેસની કાર્યવાહી ઝડપી કરી દેવામાં આવી છે.
કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને આજે મળ્યા હતાં. અને મળ્યા બાદ તેમણે કહ્યું હતું કે, મેની આઠમી તારીખે મોકલેલો પત્ર મને હજુ સુધી મળ્યો નથી. આ પત્રની નકલ આપવામાં આવી નથી. કોટવાલની રજૂઆત બાદ સ્પીકર દ્વારા આજે મને અરજીની નકલ આપવામાં આવી છે. ક્ષતિમાં પાના નંબર, એફિડેવિટના મુદ્દા હતા. પાના નંબર પર સહી, એફિડેવિટમાં તારીખ નથી.
અશ્વિન કોટવાલે વધુમાં જણાવ્યું હતું કે, આજે વિધાનસભાના સચિવ ડી.એમ પટેલને મળવા હું ગયો હતો. અને ભારતના બંધારણના કાયદા પ્રમાણે અલ્પેશ ઠકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની અરજી કરી હતી. આ અંગે અમે પ્રદેશ પ્રમુખ વિપક્ષ નેતા વિધાનસભા અધ્યક્ષને મળ્યા હતા. અને અમે અલ્પેશ વિરૂદ્ધ ધારાસભ્ય રદ્દ કરવા માટે કરેલ અરજીના આજે પંદર તારીખ થઈ, સાત દિવસ વીતી ચુક્યા છે છતા અમને તેની નકલ મળી નથી.
કોટવાલે વિધાનસભા સચીવને આડકતરી રીતે એવું પણ પૂછ્યું હતું કે, અલ્પેશ ઠાકોરવાળી અરજી ટપાલ દ્વારા મોકલી છે કે માલગાડીમાં મોકલી છે. કારણ કે, સાત દિવસ વિતી ગયા છતા આ અરજી અમને મળી નથી. અલ્પેશ ઠાકોર વિશે અશ્વિન કોટવાલે કહ્યું કે, અલ્પેશ ઠાકોરે કોંગ્રેસનાં તમામ પદો પરથી રાજીનામું આપ્યું છે. ધારાસભ્ય એ હોદ્દો નથી પદ છે. એક દાખલો આખા દેશમાં બેસે તે જરૂર છે. અલ્પેશને કોંગ્રેસમાંથી બરતરફ કરવા જોઈએ.