વલસાડના કપરાડાની દારુણતા: ગામના કૂવાનું પાણી ખલાસ થવાની આરે, જ્યારે પાણી માટે જવું પડે પાંચ કિ.મી. દૂર

સમગ્ર ગુજરાતમાં પાણીનો કારમો કકળાટ સંભળાઈ રહ્યો છે. અત્યાર સુધી ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાતા દક્ષિણ ગુજરાતમાં પાણીની સમસ્યા ક્યારેય પણ સર્જાઈ ન હતી. પરંતુ આ વખતના ઉનાળામાં દક્ષિણ ગુજરાતના ગ્રીન હાઉસ તરીકે ઓળખાતા અને પાણી માટે સુખાકાર ગણાતા વલસાડ જિલ્લાની હાલત અત્યંત કફોડી બની ગઈ છે.

વલસાડ જિલ્લામાં પાણીની કારમી અછત વર્તાઈ રહી છે. પશુઓને તો પીવાનું પાણી મળી રહ્યું નથી સાથો સાથ લોકોને પણ પીવાનું પાણી મળી રહ્યું નથી. વલસાડ જિલ્લાના કપરાડાના મનાલા ગામમાં ચાર ફળીયા વચ્ચે એક કૂવો છે અને ગામ લોકો આ કૂવાનાં પાણીનો વપરાશ કરે છે. કાળઝાળ ગરમીમાં લોકોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

પાણી માટે ગામની મહિલાઓને પાંચ કિ.મી દૂર આવેલા ડૂંગરાળ અને જંગલ પ્રદેશ સુધી જવાનો વારો આવ્યો છે. કાળઝાળ ગરમીમાં મહિલાઓ પાણી માટે હાલાકી ભોગવી રહી છે અને બીજી તરફ તંત્ર ઘોર નિંદ્રામાં મહાલી રહ્યું હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.

મનાલા ગામમાં કુવાના પાણી પર આધાર રહેલા ગામ લોકો માટે સ્થિતિ વિપરીત થઈ રહી છે. મનાલાની એક હજારની વસ્તી માટે આવનાર દિવસોમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થવાના વર્તારા જોવા મળી રહ્યા છે. કારણ કે કૂવામાં પાંચેક દિવસ ચાલે તેટલું જ પાણી ઉપલબ્ધ છે. પાંચેક દિવસ જ પાણી ચાલી શકે તેવું જણાતા ગામ લોકોના જીવ તાળવે ચોંટી ગયા છે. ગ્રામ પંચાયત કે જિલ્લા કલેકટર દ્વારા ગામ લોકોના પાણીની તકલીફ દૂર કરવા માટે કાર્યવાહી કરવાની રહે છે પરંતુ હાલમાં આવી કોઈ કાર્યવાહી કરાઈ રહી હોવાનું જણાતું નથી.