દ્વારકામાં ભેદી રોગચાળો, 500 લોકોને સીધી અસર

ગુજરાતના દ્વારકામાં આવેલા ખંભાળીયાના ઉબારા ગામમાં ભેદી રોગચાળો વકરી જતા દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી રોગચાળાની ચપેટમાં 500 લોકો અસર પામ્યા છે. લોકો અચાનક ટપોટપ બિમાર પડતા હાહાકાર વ્યાપી ગયો છે. સરકાર અને આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું છે.

ગામ લોકોએ મીડિયાને જણાવ્યું કે મોટાભાગના દર્દીઓને સાંધાના દુખાવા અને તાવ આવી રહ્યો છે. કેટલાકને ઉઘરસ સાથે તાવ અને શરદીની ફરીયાદો જોવા મળી રહી છે. આરોગ્ય વિભાગની ટીમ ખંભાળીયા પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે. રોગચાળો ક્યા કારણોસર ફાટી નીકળ્યો છે તેની તપાસ કરવા માટે અધિકારીઓએ લોહીના નમૂના લેવાના શરૂ કર્યા છે. ગામલોકોએ યોગ્ય મેડીકલ સુવિધા અને સમયસર સારવાર માટેની માંગ કરી છે.