સુરતની એંગ્લો ઉર્દુના વિવાદમાં ફારુક કેપી સહિત તમામ 10ના રાજીનામા મંજુર

ધી સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી(એંગ્લો ઉર્દુ સ્કૂલ)ના વિવાદમાં આજે મળેલી મેનેજિંગ કમિટીની મીટીંગમાં પ્રમુખ ફારુક કેપી સહિત તમામ 10 જણાના રાજીનામા મંજુર કરી લેવામાં આવ્યા હતા. ફારુક પટેલ(કેપી)નું પ્રમુખ પદેથી રાજીનામું મંજુર કરવામાં આવતા હવે નવા પ્રમુખ તરીકે કોણ હશે તે પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે.

માહિતી મુજબ ત્રણ મહિના પૂર્વે રાજીનામું આપનારા કમિટીના મેમ્બર એડવોકેટ મીયાં મહોમ્મદ નાતાલીની જગ્યાએ ખિદમત પેનલના પ્રમુખ પદે લડેલા નસીમ કાદરીને મેનેજિંગ કમિટીમાં કો-ઓપ્ટ કરવાના મામલે વાંધો અને વિરોધ દર્શાવી ફારુક પટેલ(કેપી) સહિત 10 જણા એમ કુલ 11 જણાએ હોદ્દા અને કમિટીમાંથી રાજીનામા આપી દીધા હતા.

રાજીનામા આપ્યા બાદ લવાદો-મધ્યસ્થીકારો દ્વારા રાજીનામા નામંજુર કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ મેનેજિંંગ કમિટીમાં આજે રાજીનામા સંબંધિત કામને એજન્ડા પર લેવામાં આવ્યું હતું. મીટીંગની શરૂઆત થતાં જ કમિટીના મેમ્બર મુસ્તાક ગોલંદાઝે આજની મીટીંગના
કાર્યકારી પ્રમુખ પદ માટે ફારુક ચાંદીવાલાના નામની દરખાસ્ત મૂકી હતી અને તેને અન્ય સભ્યોએ ટેકો આપ્યો હતો. ત્યાર બાદ રાજીનામા મંજુર કરવા કે નહીં તેની ચર્ચા કરવામાં આવી હતી.

ચર્ચાના અંતે હાજર રહેલા આઠે આઠ સભ્યોએ રાજીનામા મંજુર કરવાની વાતને ટેકો આપ્યો હતો અને સર્વાનુમતે રાજીનામા મંજુર કરી લેવામાં આવ્યા હતા. એંગ્લોની મેનેજિંગ કમિટીમાં 21 સભ્યો હોય છે પરંતુ 11 જણાએ રાજીનામા આપતા હવે સભ્ય સંખ્યા 10 પર પહોંચી છે. 10 સભ્યો પૈકી બે સભ્ય ગેરહાજર રહ્યા હતા. નસીમ કાદરી અને આરીફ સૈયદ આજની મીટીંગમાં ગેરહાજર રહ્યા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ પ્રમુખ પદેથી ફારુક પટેલ(કેપી)એ રાજીનામું આપતા હવે નવા પ્રમુખ કોણ બનશે તે અંગે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે.