PM મોદી વિરુદ્વ ઉમેદવારી કરનાર પૂર્વ સૈનિક તેજ બહાદુરની ઉમેદવારી રદ્દ, કરશે આ કાર્યવાહી

વડાપ્રધાન મોદી વિરુદ્વ વારાણસીથી સપાના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરનારા પૂર્વ સૈનિક તેજબહાદૂરની ઉમેદવારી રદ્દ કરી દેવામાં આવી છે. ઉમેદવારી રદ્દ થયા બાદ તેજબહાદૂરે કહ્યું કે ચૂંટણી પંચના નિર્ણયની વિરુદ્વ સુપ્રીમ કોર્ટમાં જઈશું. તેજ બહાદૂરે ચૂંટણી પંચને કહ્યું હતું કે હું અંબાણી નથી કે આટલા ઓછા સમયમાં માહિતી લઈને આવી જાઉં. ચૂંટણી પંચે ગઈકાલે સાંજે 6.15 વાગ્યે પુરાવા આપવાનું કહ્યું હતું, પુરાવા તૈયાર કરી લેવામાં આવ્યા હોવા છતાં પંચે ઉમેદવારી રદ્દ કરી દીધી છે. આ એક ઈરાદાપૂર્વકનું ષડયંત્ર છે.

તેજ બહાદૂર દ્વારા સૌગંધનામામાં અલગ અલગ માહિતી આપવામાં આવતા ઉમેદવારી અંગે શંકાના વાદળો ઘેરાયા હતા. એક ઉમેદવારી પત્ર અપક્ષ રૂપે ભર્યું હતું અને બીજું સપાના ઉમેદવાર તરીકે ભર્યું હતું. અપક્ષ તરીકે ભરાયેલા ફોર્મમાં તેજ બહાદૂરે સેનામાંથી બરખાસ્ત કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું જ્યારે સપાના ઉમેદવાર તરીકેના ફોર્મમાં તેમણે સેનામાંથી બરખાસ્ત થવાની વાતનો ઉલ્લેખ કર્યો ન હતો. આ મામલો ધ્યાને આવતા રિટર્નીંગ ઓફીસરે તેમને નોટીસ આપી જવાબ માંગ્યો હતો.

અત્રે નોંધનીય છે કે તેજબહાદૂર જ્યારે આર્મીમાં ફરજ પર હતા ત્યારે ખોરાકની ક્વોલિટીને લઈ ફરીયાદ કરી હતી. ત્યાર બાદ તેમના વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને સેનામાંથી પદભ્રષ્ટ કરાયા હતા. આ ઉપરાંત તેમણે પોતાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વારાણસીમાં અંતિમ તબક્કામાં એટલે કે 19મી મેનાં રોજ ચૂંટણી થવાની છે.