ફની ચક્રવાત: 100 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન, વરસાદની સંભાવના, શ્રીલંકામાં એલર્ટ

હવામાન ખાતાએ બંગાળની ખાડીમાં ઉભા થયેલા ફની ચક્રવાતને લઈ અલર્ટ જારી કરી દીધું છે. વિભાગે કહ્યું છે કે આગામી 6થી 7 કલાકમાં ચક્રવાત ભારે તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા છે. 30 એપ્રિલથી લઈ પહેલી મે વચ્ચે તોફાન ખતરનાક બની શકે એમ છે. કેરળ, ઓરિસ્સા અને કાંઠાના વિસ્તારો જેવાં કે આંધ્રપ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ઝડપી પવન સાથે વરસાદ થઈ શકે છે. હવામાન ખાતાએ કહ્યું છે કે તોફાનના કારણે 100 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન ખાતાએ જણાવ્યું છે કે ફની સાયક્લોનના કારણે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં વરસાદ થઈ શકે છે, તોફાનની અસર કાંઠા વિસ્તાર ઉપરાંત મેદાની વિસ્તારોમાં પણ થવાની સંભાવના છે.

ફની ચક્રવાતના કારણે શ્રીલંકામાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

આઈએમડીના બૂલેટીનમાં જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીમાં ઉભા થયેલા ફની સાયક્લોનના કારણે દરિયાની સ્થિતિ ખતરનાક બની શકે છે. વિશેષરૂપે બંગાળની ખાડીના દક્ષિણ-પૂર્વી વિસ્તારોમાં ઉંચા મોજા ઉછળી શકે છે. પોંડિચેરી, તામિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં દરિયા તોફાની બની શકે છે. માછીમારોને દરિયા નહીં ખેડવા અપીલ કરવામાં આવી છે. જ્યારે દરિયામાં ગયેલા માછીમારોને તાત્કાલિક પરત ફરવાના આદેશ આપવામાં આવ્યા છે.

PM મોદીનો મોટો દાવો: બંગાળના 40 MLA છે મારા સંપર્કમાં, દીદીનું બચવું મુશ્કેલ

વડાપ્રધાન મોદીએ પ.બંગાળના શ્રીરામપુર ખાતે રેલીને સંબોધન કર્યું અને મમતા બેનરજી પર આક્રમક પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે દીદી હું તમારો આભારી છું. તમે જેટલા પણ રસગૂલ્લા બનાવીને મોકલશો અને તેમાં 50-100 પથ્થર આવશે તો તમારા ગુંડાઓ નિર્દોષ લોકોને મારવામાં ઉપયોગમાં લે છે તો એ પથ્થર મને મોકલશો જો ઓછામાં ઓછા એટલા લોકોના માથા ફૂટતા બચી જશે.

તમારા ધારાસભ્યો પણ તમને છોડીને ભાગી જશો. આજે પણ તમારા 40 ધારાસભ્યો મારા સંપર્કમાં છે. દીદી તમારું બચવું મુશ્કેલ છે.23મી મે પછી દાદીના પગ નીચેથી જમીન ખસી જશે. કારણ કે તમે વિશ્વાસઘાત કર્યો છે. દીદી કહે છે કે મને માટી અને પથ્થર સાથેના લાડુ મોકલશે. માટીના રસગૂલ્લા મારા માટે આશિર્વાદરૂપ છે. જે માટી પર રામકૃષ્ણ પરહંસ જન્મ્યા, નેતાજી સુભાષચંદ્ર બોઝ જન્મ્યા તેમની ચરણરજ બંગાળની ધરતી પડી છે તેના રસગૂલ્લા મારા માટે પવિત્ર પ્રસાદ બની રહેશે.મારું ભાગ્ય ખૂલી જશે. મારા માટે પવિત્ર છે, મારે માટે માટી પ્રેરણા છે. ઉર્જા છે.

જ્યાં દલિત-મુસ્લિમ મતદારો છે ત્યાં જ EVM વધુ ખોટકાય છે: કપિલ સિબ્બલ

લોકસભા ચૂંટણી દરમિયાન વિપક્ષ કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે ઈવીએમ મામલે ફરી એકવાર મુદ્દો બનાવ્યો છે. પૂર્વ કાયદા મંત્રી કપિલ સિબ્બલે કહ્યું કે જ્યાં દલિત-મુસ્લિમ મતદારો વધુ હોય છે ત્યાં ઈવીએમમાં ખામી સર્જાય છે.

ન્યૂઝ એજન્સીના આપેલા ઈન્ટરવ્યુમાં કપિલ સિબ્બલે કહ્યું કે પ્રથમ ત્રણ તબક્કાની ચૂંટણીમાં ભાજપને ભારે નુકશાન થઈ રહ્યું છે. જોકે, હાર-જીતનો ફેસલો તો 23મીએ થશે. પ્રશ્ન એ છે કે જ્યાં પણ ઈવીએમમા ખામી સર્જાવાની ઘટના બને છે ત્યાં ભાજપને જ કેમ વોટ જાય છે.

તેમણે કહ્યું કે કેટલાક દિવસ પહેલાં 300 મશીન ખરાબ થવાની વાત બહાર આવી હતી. ચૂંટણીમાં મતદારને એવી ચિંતા જરા પણ થવી જોઈએ નહીં કે એણે જેને વોટ આપ્યો છે તેને વોટ મળ્યો છે કે નહીં. મશીન એવા વિસ્તારોમાં વધુ ખરાબ થાય છે જ્યાં દલિત અને મુસ્લિમ મતદારો હોય છે. જો બે-ત્રણ કલાકમાં મશીન રિપેર થતું નથી તો મતદારો કંટાળીને ઘરે પાછા ચાલ્યા જાય છે.

ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ અંગેની ફરીયાદોને દુર કરવા માટે કરવામાં આવેલી કાર્યવાહી અંગે કપિલ સિબ્બલે કહ્યું કે પંચ દ્વારા કરાયેલી કાર્યવાહીથી કોંગ્રેસને સંતોષ નથી, અમારી માંગ છે કે 50 ટકા વીવીપેટ સ્લીપ સાથે મતદાનને સરખાવવામાં આવે. ઈવીએમમાં થયેલી ગરબડને દુર કરવામાં આવે, જેનાથી ચૂંટણી પ્રક્રિયા અને મતદાનમાં લોકોનો વિશ્વાસ અકબંધ રહે.

શા માટે PM મોદી સામે ચૂંટણી નહીં લડી? પ્રિયંકા ગાંધીએ પહેલીવાર કર્યો ખૂલાસો, જાણો શું કહ્યું?

ઉત્તરપ્રદેશની વારાણસી સીટ પરથી વડાપ્રધાન મોદી સામે ચૂંટણી નહીં લડવાને લઈ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પ્રથમ વાર પોતાની વાત કરી છે. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મારા ખભા પર સમગ્ર યુપીના પ્રચારની જવાબદારી છે. એક નહીં પરંતુ 41 સીટ પર પાર્ટીને જીતાડવાનો ભાર છે. એક જગ્યાએ રહીને આવું કરવાનું સંભવ ન હતું.

28મી માર્ચે રાયબરેલીમા કોંગ્રેસના પ્રચાર દરમિયાન કાર્યકરોએ પ્રિયંકાને રાયબરેલીમાંથી ચૂંટણી લડવાની માંગ કરી તો પ્રિયંકાએ જવાબ આપ્યો હતો કે વારાણસીથી ચૂંટણી લડી લઉં. ત્યાર બાદ રાજકીય સ્તરે પ્રિયંકા અંગે અટકળો ચાલી હતી કે તેઓ પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે.

પ્રિયંકા ગાંધીના વારાણસીથી ચૂંટણી લડવા અંગે જ્યારે કોંગ્રેસના પ્રવક્તા દીપકસિંહે પણ દાવો કર્યો તો ભારે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. આ ચર્ચા વચ્ચે પ્રિયંકા પોતે પણ વારાણસીથી ચૂંટણી લડવા તૈયાર હોવાનું જણાવી રહ્યા હતા.પરંતુ પ્રિયંકા ગાંધીની ચર્ચાઓ પર 25મી એપ્રિલે પૂર્ણવિરામ મૂકાઈ ગયો અને કોંગ્રેસે અજયસિંહનું નામ જાહેર કર્યું. અજયસિંહ હવે પીએમ મોદી સામે ચૂંટણી લડી રહ્યા છે.

જમ્મૂ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં 30મી એપ્રિલથી વરસાદની સંભાવના

પ્રિ-મોન્સુન સિઝન દરમિયાન દેશભરમાં સૌથી વધુ વરસાદની ટકાવારી નોંધાવનારા બે ક્ષેત્ર છે. એક ઉત્તર ભારતની પર્વતમાળા અને બીજો વિસ્તાર ઉત્તર-પૂર્વીય છે. પ્રિ-મોન્સુન સિઝનનો વરસાદ એપ્રિલની સરખાણીએ માર્ચમાં વધુ થાય છે અને આ વખતે માર્ચ મહિનામાં કેટલાક રાજ્યોમાં વરસાદ નોંધાયો છે. વાદળછાયા વાતાવરણમાં લોકોએ બાફ સાથે ઉકળાટ અને ગરમીનો સામનો કર્યો છે.

આ સિઝનમાં અત્યાર સુધી પર્વતીય વિસ્તારોમાં વરસાદની ટકાવારી ગણનાપાત્ર રહી નથી. જમ્મૂ-કાશ્મીરના વરસાદમાં 42નો ઘટાડો નોંધાયો છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં 47 અને ઉત્તરાખંડમાં 16 ટકા જેટલો સામાન્ય વરસાદ નોંધાયો છે.

સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે હવામાનની તરેહ જોતાં પશ્ચિમી વિસ્તારોમાં વરસાદની અસર જોવા મળે છે, પરંતુ પ્રિ-મોન્સુનમાં જોઈએ તેટલા પ્રમાણમાં વરસાદ સક્રીય જણાઈ રહ્યો નથી.

હવામાન ખાતાના નિષ્ણાતોના મત અનુસાર 30 એપ્રિલથી પહેલી મે વચ્ચે હવામાનમાં વ્યાપક ગતિવિધિઓ જોવા મળી શકે છે. ખાસ  કરીને જમ્મૂ-કાશ્મીરમાં મુખ્ય અસર જોવા મળી શકે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસાદી વાતવરણનું ચિત્ર સ્પષ્ટ થવાની શકયતા છે. હાલમાં ફની ચક્રવાતના કારણે વાદળછાયું વાતાવરણ થવાના પગલે ગરમીમાંથી રાહત મળવાની પણ આગાહી કરવામાં આવી છે.

આ ઉપરાંત માર્ચ અને એપ્રિલ વચ્ચે થતા વરસાદમાં 27 ટકા ઘટાડો નોંધાયો છે જે ચિંતાનો વિષય છે. મોન્સુન પહેલાં દેશમાં વાવણી માટે વરસાદ મહત્વ રાખે છે. માર્ચ-એપ્રિલ વચ્ચે થતા વરસાદમાં સરેરાશ કરતા ઓછો ઘટાડો નોંધાયો છે.

એશિયન પાવર લિફ્ટીંગમાં સિલ્વર મેડલ અને ગોલ્ડ મેડલ જીતનારા પિતા-પુત્રીને વધાવતું સુરત

હોંગકોંગ ખાતે યોજાયેલી એશિયન પાવર લિફ્ટીંગ ચેમ્પિયનશીપમાં સુરતના પિતા-પુત્રીનો ડંકો વાગ્યો છે. પિતાએ સિલ્વર મેડલ અને પુત્રીએ ગોલ્ડ મેડલ હાંસલ કરીને સુરતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું અને ગૌરવ વધાર્યું છે. આજે સુરત રેલ્વે સ્ટેશન પર આવી પહોંચેલા પિતા અને પુત્રીને ઉમળકાભેર વધાવી લેવામાં આવ્યા હતા.

સાંગલે પરિવાર મૂળ મહારાષ્ટ્રના ઈંદાપુર, માનગાંવના વતની છે અને વર્ષોથી સુરતના વેડરોડ ખાત સ્થાયી થયા છે. પ્રકાશ સાંગલે બેન્ક ઓફ બરોડામાં નોકરી કરે છે. અંજલિ સાંગલેએ એશિયન પાવર લિફ્ટીંગમાં ભાગ લેતા પહેલાં ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટીંગમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો અને ત્યાર બાદ નેશનલ ચેમ્પિયનશીપમાં પણ ફર્સ્ટ નંબરે આવી હતી.

ગોલ્ડ મેડલ હાંસલ કરનારી અંજલિ સાંગલે

માસ્ટર મનોજ સાંગલેએ કહ્યું કે ત્રણ વર્ષથી અંજિલ સાંગલેએ પાવર લિફ્ટીંગમાં કરિયર બનાવવાન શરૂઆત કરી હતી. હોંગકોંગ ખાતે આયોજિત કરાયેલા એશિયન પાવર લિફ્ટીંગ ચેમ્પિયનશીપ-2019માં 47 કિ.ગ્રા. બોડી વેઈટમાં અંજલિએ 275 કિ.ગ્રા. વેઈઠ લિફ્ટ કરને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

જ્યારે અંજલિના પિતા પ્રકાશ સાંગલેએ 410 કિ,ગ્રામ વેઈટ લિફ્ટ કરીને સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. બન્નેના માસ્ટર તરીકે મનોજ સાંગલે રહ્યા હતા. વેડરોડ ખાતે આવેલા જીમમાં પિતા અને પુત્રીની જોડીને જબરદસ્ત રીતે વધાવી લેવામાં આવ્યા હતા. સગા-સંબંધીઓ અને વિસ્તારના લોકો દ્વારા અંજલિ અને પ્રકાશ સાંગલે પર અભિનંદન વર્ષા કરવામાં આવી હતી.

સુરતનો એંગ્લો ઉર્દુ વિવાદ: 10 જણાના રાજીનામા મંજૂર નહી થાય તો બળવાની સ્થિતિ

સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી(એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)માંથી નસીમ કાદરીની નિમણૂંક સામે વાંધો અને વિરોધ ઉભો કરનારા 10 સભ્યોએ લેખિતમાં સરમુખત્યારશાહી ચલાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ  કરી સાગમટે રાજીનામા તો ધરતા ધરી દીધા પરંતુ પાછળથી ભૂલ સમજાતા અને પસ્તાવો થતાં લવાદો-મધ્યસ્થીકારોને વચ્ચે પાડી રાજીનામા નામંજૂર કરવવા માટે પ્રેશર ટેક્ટિક્સ ઉભી કરી છે.

રાંધવા ગયા હતા થૂલી અને બની ગયું કંસાર જેવો ઘાટ સર્જાતા ખુરશી પર ટકી રહેવા માટે નવી કવાયત શરૂ કરવામાં આવી છે. રાજીનામાં આપતા તો આપી દીધા પરંતુ પાછળથી પસ્તાવો થતાં લવાદો-મધ્યસ્થીકારો સમક્ષ લેખિત અને મૌખિકમાં કરવામાં આવેલા આક્ષેપોને પણ પાછા ખેંચી લેવાની તૈયારી દર્શાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો સરમુખત્યારી રીતે કમિટી મેમ્બરો વર્તી રહ્યા હોય તો ફરી તે જ કમિટીમાં રહેવાની રાજીનામા આપનારાઓ વતી લવાદો-મધ્યસ્થીકારોની ફોર્મ્યુલા અનેક પ્રકારની શંકા ઉભી કરી રહી છે.

એંગ્લોમાં હાલની મેનેજિંગ કમિટી સરમુખત્યારશાહી જ ચલાવતી હોય તો ફરી પાછી એજ મેનેજિંગ કમિટી સાથે કામ કરવા માટે રાજીનામા નામંજૂર કરવાનો પ્રેશર ટેક્ટિક્સવાળો ખેલ કરવામાં આવી રહ્યો છે અને ઉપપ્રમુખ ફારુક ચાંદીવાલા અને સેક્ર્ટરી સૈયદ અહેમદ બગદાદીને રાજીનામું નામંજૂર કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. બદલાયેલા આ સમીકરણે એંગ્લોમાં વર્તમાન કમિટીમાં જ બળવાની સ્થિતિ ઉભી કરી દીધી છે. આ ઉપરાંત રાજીનામાનો ઝઘડો કેટલાક મેમ્બરોના ઘર સુધી પહોંચી જતા મામલો સ્ફોટક બન્યો છે. એંગ્લોની મેનેજિંગ કમિટીની ખુરશી નહીં છોડવા પાછળનો આશય કોઈના પણ ગળે ઉતરી રહ્યો નથી. લવાદો-મધ્યસ્થીકારો હસ્તક રાજીનામા નામંજૂર કરાવવાની કોશીશોના કારણે હવે વર્તમાન મેનેજિંગ કમિટીમાં પણ બળવો કરાવી જાય તેવી નોબત સર્જાઈ છે. જો રાજીનામા મંજૂર નહીં કરવામાં આવે તો હાલની મેનેજિંગ કમિટીમાંથી મોટાભાગના સભ્યો પણ પોતાના રાજીનામા ધરી દેવાની તૈયારી કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે.

એંગ્લોમાં ચાલી રહેલી આવા પ્રકારની કૂશ્તીમાં સ્થિતિ એ આવીને ઉભી થઈ ગઈ છે કે હવે વર્તમાન કમિટીના 7થી 8 સભ્યો રાજીનામા ધરી દેવાની અણી પર આવી ગયા છે અને આવા સંજોગોમાં કોરમ પણ બની શકે નહી અને છેવટે મહિના-દોઢ મહિનામાં નવેસરથી ચૂંટણી યોજવાનો વારો આવી શકે તેમ છે. 10 સભ્યોએ રાજીનામા આપ્યા બાદ પણ મેનેજિંગ કમિટીનું કોરમ ખંડિત થયું નથી. કારણ કે પાંચ સભ્યો થકી પણ કમિટીનું સંચાલન કરી શકાય છે. પણ હવે બાકી રહેલા 10 મેમ્બર પૈકી 7-8 મેમ્બર રાજીનામા આપી દે તો સીધી રીતે મોટો ફટકો પડશે તેમજ કોરમ પણ નહીં રહે અને કમિટી આપોઆપ બરખાસ્ત થઈ શકે એમ છે.

શૈક્ષણિક સંસ્થામાં પાછલા એક વર્ષથી જે પ્રકારે કાવાદાવા અને સંસ્થાને બટ્ટો લાગે તેવા પ્રકારના કૃત્યો કરવામાં આવી રહ્યા છે તેના કારણે વર્ષો જૂની અને ઐતિહાસિક  મુસ્લિમ સંસ્થાની બનેલી સ્ટાન્ડર્ડ ઈમેજ ભસ્મીભૂત થઈ જવા પામી છે. વાસ્તે હાલના મેનેજિંગ કમિટીના સભ્યો 10 જણાના રાજીનામા મંજૂર ન નહીં કરે તો કમિટીમાંથી રાજીનામા ધરી દેવાની તૈયારીમાં બેઠાં છે. આવતીકાલે મળી રહેલી મેનેજિંગ કમિટીમાં નવા ધડાકા થવાની શક્યતા નકારી શકાતી નથી.

સુરતની એંગ્લો ઉર્દુનું કોકડું: રાજીનામા નામંજૂર કરવાની વાત એટલે આગમાં સતત હાથ બાળતા રાખવા

સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી(એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ)માંથી પ્રમુખ સહિત 10 જણાએ રાજીનામા આપ્યા બાદ હવે રાજીનામા નામંજૂર કરવા માટે મેનેજિંગ કમિટીના ઉપપ્રમુખ ફારુક ચાંદીવાળા પર પ્રેશર કરવામાં આવી રહ્યું છે. શહેરના કેટલાક આગેવાનો દ્વારા મધ્યસ્થી કરવામાં આવી રહી છે ત્યારે પ્રશ્ન એ થાય છે કે રાજીનામા આપતી વખતે મધ્યસ્થીકારોને પૂછવામાં આવ્યું હતું ખરું? તો પછી નાહકનું પ્રેશર મૂકીને હવે જ્યારે બખેડો અને વિવાદ દૂર થઈ રહ્યો છે ત્યારે નવા માણસોને કો-ઓપ્ટ કરી વિવાદને પૂર્ણ કરવાના બદલે રાજીનામા નામંજૂર કરવાનો ખેલ હવે હાલની મેનેજિંગ કમિટી માટે ઝેરના પારખા કરવા સમાન બની રહેવાનો છે અને યાદ રહે કે ઝેરના પારખા વારંવાર થતા નથી. રાજીનામા નામંજૂર કરવાની વાત એટલે કે આગમાં પોતાના હાથ સતત બાળવાની ઘટના.

સરમુખ્યારશાહીના આક્ષેપો લેખિતમાં કરીને રાજીનામા આપ્યા છે. ચૂંટણી વખતે પણ નસીમ કાદરી અને સેક્રેટરી બગદાદીને કહેવાયું હતું કે રાજીનામું આપી દેવામાં આવશે અને ત્યાર બાદ રાજીનામની આખી વાતથી નામક્કર થતા પણ લોકોને જોયા છે. મધ્યસ્થીકારોની લાગણી ભલે ભલી હોય અને તેઓ કોશીશ કરતા હોય પણ ઈદારાની વાત આવી રહી છે ત્યારે ન છૂટકે લખવું પડી રહ્યું છે કે કોઈની પણ શેહ-શરમ રાખ્યા વિના રાજીનામા સ્વીકારીને વિવાદનો અંત આણવામાં આવે. મધ્યસ્થીકારો પણ રાજીનામા આપવા પાછળનું કારણ સારી રીતે જાણે છે પરંતુ તેઓ જાહેરમાં બોલવા તૈયાર નથી.

ભૂતકાળમાં ઈદારાને લઈ મીડિયા અને સોશિયલ મીડિયામાં ખાસ્સી કાદવ-ઉછાળ પ્રવૃત્તિ કરવામાં આવી પરંતુ ત્યારે કોઈ મધ્યસ્થીકાર આવ્યો ન હતો કે વિવાદ પર ઠંડુ પાણી રેડવાની કોશીશ કરવામાં આવી ન હતી. હવે નવેસરથી કમિટીની રચના કરી, નવા સભ્યોને કો-ઓપ્ટ કરી વિવાદને પૂર્ણ કરી નવા કાર્યકારી પ્રમુખના હાથમાં સૂકાન સોંપી દેવામાં આવે તે જરૂરી બન્યું છે.

ગૌતમ ગંભીર વિરુદ્વ પોલીસ ફરીયાદ દાખલ,જાણો આખો મામલો

ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર નવી આફતમાં સપડાયા છે. દિલ્હીમાં પરમીશન વિના રેલી કાઢવાના મામલે ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. ભાજપના નેતા ગૌતમ ગંભીર વિરુદ્વ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. ચૂંટણી પંચના આદેશ અનુસાર દિલ્હી પોલીસે ફરીયાદ નોંધી છે. ચૂંટણી પંચે દિલ્હી પોલીસને કહ્યુ હતું કે 25મી એપ્રિલે દિલ્હીનાં જંગપુરામાં ગૌતમ ગંભીરે પરમીશન વિના રેલી કાઢી હતી.

ક્રિકેટરમાંથી નેતા બનેલા ગૌતમ ગંભીર વિરુદ્વ કાર્યવાહી કરતા ચૂંટણી પંચે કહ્યું હતું કે ગૌતમ ગંભીરે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવાનો રહે છે. ગૌતમ ગંભીરે રેલી કાઢી ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે.

ગૌતમ ગંભીર પાછલા કેટલાક વર્ષોથી ભાજપની નીતિઓનું સમર્થન કરી રહ્યા હતા. પાછલા મહિને જ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીની હાજરીમા ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો.

ભાજપમાંથી દિલ્હી લોકસભાની સીટ પરથી ચૂંટણી લડી રહેલા ગૌતમ ગંભીર દિલ્હીના સૌથી વધુ ધનવાન ઉમેદવાર બન્યા છે.  ઉમેદવારી ફોર્મ ભરતી વેળા રજૂ કરેલી એફિડેવિટમાં ગંભીરે પોતાની વાર્ષિક આવક 12 કરોડ રૂપિયા દર્શાવી છે. ગૌતમ ગંભીરની સામે આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતીશી માર્લેના છે.

શું નવસારી બેઠક પર ભાજપ માટે લટકતી તલવાર છે? અટપટા સમીકરણોથી શ્વાસ અધ્ધર

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠક માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. દાવા-પ્રતિદાવા શરૂ થઈ ગયા છે. લોકોએ મતદાન કર્યું અને હવે તમામ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઈ ગયું છે. 2014માં ગુજરાતની 26-26 બેઠક પર ભાજપનો વિજય થયો હતો ત્યારે 2019માં ગુજરાતમાં ફરી એક કરિશ્મો થવાની શક્યતા બિલ્કુલ નહિંવત છે અને ભાજપના નેતાઓ પણ આ વતાને કબૂલે છે, ત્યારે પંચરંગી વસ્તી ધરાવતા નવસારી લોકસભાની બેઠકમાં આ વખતે ભાજપના માથે લટકતી તલવાર જોવા મળી રહી હોવાના સમીકરણો બંધાતા તમામ પક્ષના નેતાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

નવસારી લોકસભા બેઠક પર ભાજપે બે ટર્મના સાંસદ સીઆર પાટીલને ટીકીટ આપી તો સામે કોંગ્રેસે આ વખતે કોળી પટેલ કાર્ડનો પ્રયોગ કર્યો. પાટીલ વર્સીસ પટેલનો જંગ મંડાયો. મતદાન થયું, અને મતદાનના લેખાજોખા અને તાળા મેળવવામાં આવી રહ્યા છે. કોણ ક્યાં છે તેની સમરી બાંધવામાં આવી રહી છે.

નવસારી લોકસભા સીટનું જાતિગત સમીકરણ જોઈએ તો કોળી પટેલ-18 ટકા, મહારાષ્ટ્રીયન-13 ટકા, યુપી-બિહાર-10 ટકા, આંધ્રવાસી- બે ટકા, રાજસ્થાની સમાજ- 3 ટકા, મુસ્લિમ-12 ટકા, ઓરિસ્સાવાસી એક ટકા છે. જ્યારે હળપતિ, દલિત, આદિવાસી, રાણા સમાજ, જૈન,ચરોતરના પટેલો, મોઢવણિક અને પાટીદાર જેવા ગુજરાતી સમાજો મળીને તેમની ટકાવારી 41 થાય છે.

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો નવસારીમાં ભાજપને 46,095ની લીડ, જલાલપોરમાં 25,664ની લીડ, ગણદેવીમાં 57,261ની લીડ, ચોર્યાસીમાં 1,10,819ની લીડ, મજૂરામાં 85,827ની લીડ, ઉધનામાં 42,471ની લીડ અને લીંબાયતમાં 31,951ની લીડ મળી હતી. આમ કુલ લીડ 400,088 થવા જાય છે.

2014ની લોકસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો આ બેઠક પર ભાજપના સીઆર પાટીલને 8,20,831 વોટ મળ્યા હતા જ્યારે કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારને 2,62,715 વોટ મળ્યા હતા. ભાજપનો 5,58,116 લાખ મતે વિજય થયો હતો. 2014 લોકસભા અને 2017 ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો તફાવત જોઈએ તો 1.50 લાખની લીડમાં દેખીતો ઘટાડો થયો છે. જોકે, 2014માં મોદી વેવમાં કોંગ્રેસ તણાઈ ગઈ હતી. આ વખતે આવો કોઈ વેવ નથી. 2014માં 11,60,747નું વોટીંગ થયું હતું જ્યારે આ વખતે 13,03,170નું વોટીંગ થયું છે. ગયા વખતે મોદી વેવમાં 65.12 ટકા વોટીંગ હતું અને આ વખતે મતદારો વધ્યા અને વોટીંગ પણ વધ્યું છે.આ વખતે 66.10 ટકા વોટીંગ થયું છે.

સાડા ત્રણ લાખ કોળી પટેલ 2.56 લાખ મરાઠી અને 5.50 લાખ પરપ્રાંતીય મતદારોથી ભરપૂર આ વિસ્તાર છે. 2.36 લાખ મુસ્લિમો મતદારો છે. જ્યારે મારવાડી અને સિંધી સમાજના જેટલા પણ વોટ છે એમાં કોંગ્રેસ કોઈ વિભાજન કરવાની સ્થિતિમાં નથી. કોંગ્રેસને આ વખતે વિશ્વાસ છે કે વર્ષોથી કોંગ્રેસથી દુર થઈ ગયેલો કોળી પટેલ સમાજ કોંગ્રેસ તરફ પાછો વળ્યો છે અને કોળી સમાજમાં કોંગ્રેસ પચાસ-પચાસ ટકા ચાલી છે. જ્યારે ભાજપના સમર્થકો માની રહ્યા છે કે કોળી સમાજમાં કોઈ વિભાજન થયું નથી અને કોંગ્રેસને માત્ર પાંચ ટકાથી વધારે વોટ મળ્યા નથી. કેટલાક લોકો ભાજપના ઉમેદવાર સીઆર પાટીલની ત્રણ લાખની લીડ મૂકી રહ્યા છે તો કેટલાક કહી રહ્યા છે કે કોંગ્રેસે નવસારીમાં ભાજપની વોટબેન્કમાં મોટું ગાબડું પાડ્યું છે. પ્રચારની તામઝામ નહિવત હતી છતાં મતદાનની ટકાવીર વધી છે તેને લઈને બન્ને પક્ષોના ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ જાય તેવી સ્થિતિ છે.

2017માં ચોર્યાસી વિધાનસભાની લીડ કોંગ્રેસ કાપી શકવાની સ્થિતિમાં નથી પરંતુ અહીંયા પર બધો દારોમદાર કોળી સમાજ પર છે. કોળી સમાજના અગ્રણીઓ કહી રહ્યા છે કે કોળી સમાજના અગ્રણી અને કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલ ને જીતાડવા માટે આ વખતે કરન્ટ આવ્યો હતો અને કોળી સમાજે પોતાના ઉમેદવાર માટે વોટીંગ કર્યું છે. જ્યારે પરપ્રાંતીય મતદારોમાં ભાજપ તરફે વધારો ઝુકાવ જોવા મળ્યો હતો. પ્રથમ તો વેકેશન હોવાથી ત્રીસેક હજાર પરપ્રાંતીયો પોતાના વતન ચાલ્યા ગયા હતા જ્યારે એટલી જ સંખ્યામાં પરપ્રાંતીય મતદારોએ મતદાન કર્યું ન હતું. આ ફટકો પણ ભાજપને પડી શકે છે. એવું મનાય છે કે વતન ગયેલા અને વોટીંગમાં ભાગ નહીં લેનારા પરપ્રાંતીયોની સંખ્યા 50થી 75 હજાર સુધી પહોંચી જાય છે.

હવે કોંગ્રેસના માઈનસ પોઈન્ટમાં જોઈએ તો નવસારીમાં કોઈ મોટી જાહેર સભા કરવામાં આવી ન હતી. એક માત્ર રાહુલ ગાંધીની બારડોલીમાં સભા કરાઈ પણ તેનો ફાયદો નવસારીને મળશે કે કેમ એ શંકા છે. લીંબયત, ઉધના અને મજૂરા વિધાનસભામાં ભાજપના નેતાઓ પણ શ્યોર નથી કે આ વખતે એન બ્લોક વોટીંગ ભાજપ તરફી થયું છે. મુસ્લિમ સમાજના વોટ સીધી રીતે કોંગ્રેસમાં ગયા છે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. નવસારીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આમ ફાઈટ નથી પણ વોટીંગની તરેહ જરૂરથી ફાઈટ થઈ હોવાની ચાડી ખાય છે.