લોકસભા ચૂંટણી: ચોથા તબક્કામાં 62 ટકા મતદાન

નવ રાજ્યોની 72 સીટ પર આજે મતદાન થયું છે. લોકસભાની ચૂંટણી માટે ચોથા તબક્કાના આજના મતદાનમાં સરેરાશ 62 ટકા વોટીંગ થયું હોવાનું અનુમાન છે. પ.બંગાળ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા સહિતના રાજ્યોમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર,ઉત્તરપ્રદેશ અને પ.બંગાળની સીટો પર મતદાન થયું હતું. આજે જે રાજ્યોમાં મતદાન થયું છે તેમાં 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 72 સીટ પૈકી 45 સીટ હાંસલ કરી હતી. જ્યારે તેના સાથી પક્ષોએ 11 સીટ મેળવી હતી.

સાંજે સાત વાગ્યા સુધીમાં બિહારમાં 58.92, જમ્મૂ-કાશ્મીરમાં 9.79, ઝારખંડમાં 63.77, મધ્યપ્રદેશમાં 66.52 ટકા વોટીંગ નોંધાયું છે.

જ્યારે મહારાષ્ટ્રમાં 55.88 ટકા, ઓરિસ્સામાં 64.05, રાજસ્થાનમાં 66.44, ઉત્તરપ્રદેશમાં 55.57 અને પ.બંગાળમાં 76.59 ટકા વોટીંગ નોંધાયું છે.

ચોથા તબક્કામાં પહેલી વાર મતદાન કરી રહેલા મતદારોની સંખ્યા 1.91 કરોડ હતી. ચોથા તબક્કાની ચૂંટણી દરમિયાન પ.બંગાળમાં ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના બનાવો બન્યા હતા. ભાજપ અને ટીએમસીના કાર્યકરોએ એકબીજા સાથે દંગલ કરતા મામલો બિચક્યો હતો. પોલીસે સ્થિતિને કાબૂમાં લીધી હતી. આના સિવાય અન્ય કોઈ પણ રાજ્યમાંથી અનિચ્છનીય ઘટનાના અહેવાલ મળી રહ્યા નથી.